મહીસાગર: જિલ્લાના ગ્રામ્ય અને અર્બન વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં 21 જેટલા ધન્વંતરી રથ હાલ જિલ્લાનાં ગામડાઓ અને શહેરી વિસ્તારો ખુંદી આરોગ્ય સેવાઓ પૂરી પાડી ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે.
તે અંતર્ગત લુણાવાડા તાલુકાના ઝારા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા ગામ લોકોના આરોગ્યની તપાસ કરી કોરોના સંકટ સમયમાં પણ લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી. આ ધન્વંતરી રથમાં RBSKના મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યની કામગીરી કરવામાંઆવી રહી છે.
આ રથ કયા ગામે ક્યારે પહોચશે તેની જાણકારી સંબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનોને અગાઉથી આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને તેની જાણકારી મળી રહે. ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે. જેમાં તાવના, શરદી ઉધરસના, સારીના, ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના તેમજ દુખાવો ચામડીના અને અન્ય રોગોના દર્દીઓના આરોગ્યની તપાસ કરી આયુષની દવાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીઓને વધુ આરોગ્ય સેવાઓ માટે રીફર પણ કરવામાં આવે છે.
આમ કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તેમજ 10 વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથ થકી આરોગ્ય સેવાઓ ગ્રામ્ય અને શહેરીજનો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.