લુણાવાડા: મહીસાગરના જિલ્લાના લુણાવાડામાં કાર્તિકી પુર્ણિમા એટલે કે, દેવ દિવાળીના પર્વે અહીંના પ્રસિદ્ધ લૂણેશ્વર મહાદેવ મંદિરને હજારો દિવડાઓથી પ્રજવલ્લીત કરવામા આવ્યું હતું. મંદિરમાં દીપસ્તંભ ઉપર પ્રગટાવેલી દીપમાળાઓએ અનેરી આભા જન્માવી હતી. આ દીપમાળાને જોવા મોટી સંખ્યામાં નગરજનો લુણેશ્વર મહાદેવના મંદિરે ઉમટી પડ્યાં હતાં અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ધાર્મિક માન્યતા: હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી, તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. જોકે, દેવ દિવાળીના તહેવારે મહીસાગર જિલ્લાના વડા મથક એવા લુણાવાડાના નગરદેવ લૂણેશ્વર મહાદેવ મંદિરમાં દીપસ્તંભ પર દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે. લૂણેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી દીપસ્તંભ પર દીપમાલિકા પ્રગટાવવાની પરંપરા દિવાળીના તહેવારોમાં મંદિરનુંઆકર્ષણ રહ્યું છે. આ વખતે આલૌકિક રીતે દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જે ચાર થી પાંચ કલાક સુધી પ્રગટેલા રહેતા ભક્તો એના દર્શન કરી શકે. ત્યારે દેવદિવાળી દિવસે નગરજનોએ દીપમાલા અને ભગવાન શંકરના અનોખા શણગારેલા રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અલૌકિક દીવડાઓનો શણગાર: મહીસાગર જિલ્લાના લુણાવાડા ગામની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક સુદ પુનમ એટલેકે દેવ દિવાળીના દિવસે સુપ્રસિદ્ધ દીવા દાંડી પ્રગટાવવામાં આવે છે. અને આ વખતે અલૌકિક રીતે દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં. જે ચાર થી પાંચ કલાક સુધી પ્રજ્વલ્લીત રહ્યાં હતાં અને ગામના તમામ ભક્તો એના દર્શન કરવા આવ્યાં હતાં. આ પરંપરા વર્ષોથી અહીં લુણેશ્વર મહાદેવના મંદિરે જળવાઈ રહી છે.