આ વિરપુર તાલુકાનાં સરાડીયા ગામે ગય મોડી રાત્રે 11 કલાક બાદ એક ઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિનું દાઝી જતાં મોત થયું છે. તેમજ અન્ય એક મહિલા પણ દાજી જતાં તેને લુણાવાડાની જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ આગની ઘટના બનતા ગ્રામજનો ઘટના સ્થળે આવી આગને ઠારવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારે ઘટના બનતા વિરપુર તાલુકાના લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત સમયમાં વિરપુરના ખરોલી ગામે ત્રણ મકાનોમાં આગ લાગતા બળીને ખાખ થયા હતા, અને વિરપુર તાલુકો અન્ય સુવિધાઓથી વંચિત રહેલો છે. જ્યારે નવા જિલ્લાની રચના થતાં વિરપુરને મહીસાગર જિલ્લામાં સમાવેશ કર્યો છે.
આ 54 રેવન્યુ ગામો અને 31 ગ્રામ પંચાયત અને 1.25 લાખની વસ્તી તેમજ તાલુકા કક્ષાની તમામ પ્રકારની કચેરીઓ હોઈ અને તાલુકામાં ડિઝાસ્ટર મેનેજમેંટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોઈ જ્યારે આગ લાગવાની ઘટના બને ત્યારે લુણાવાડા, ગોધરા, અને નડિયાદ ફાયરની મદદ લેવી પડે છે. જેને લઈને ગત સમયમાં વિરપુરના ગ્રામજનોએ ફાયર સેફટી સુવિધાની માગણી અંગે તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતુ. જેનો તંત્ર દ્વારા કોઈ અમલ કરવામાં આવ્યો નથી, જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.