મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બાલાસિનોર તાલુકામાં 18 મીમી, કડાણા તાલુકામાં 12મીમી, સંતરામપુર તાલુકામાં 11મીમી અને લુણાવાડા તાલુકામાં 5મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેતીને નુકસાન થવા પામેલ છે. જિલ્લાના વરધરી પાસે ઘુવેડીયા તળાવમાં પાણીની આવક થતાં તેમાંથી પાણી ઓવર ફ્લો થઈને નીંચાણવાળા વિસ્તારોમાં વહેવા લાગ્યા છે. જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સરોડા, ડખરીયા જોરાપુરા, ભાથીજીના મુવાડા તથા જનોડ સાથેના ગામોના ખેડૂતોની ખેતી પર અસર થઈ છે. ઘુવેડીયા તળાવનું પાણી ઓવરફ્લો થઈને ખેતરોમાં થઈ પસાર થાય છે. જેથી અહીંના ખેડૂતોની ખેતીમાં ડાંગર, બાજરી, કપાસ, અને ઘાસ ચારા માટે નુકસાન થવાની ભીતિ છે.
જિલ્લામાં સિઝનનો કુલ 101.75 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સિઝનનો સૌથી વધારે વરસાદ ખાનપુર તાલુકામાં 145.82 ટકા અને સૌથી ઓછો વરસાદ સંતરામપુર તાલુકામાં 80.58 ટકા નોંધાયો છે.