- મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
- સો ટકા મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો હેતુ
- સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
મહીસાગર : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પી. એમ. મોદી દ્વારા આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
મહીસાગર જિલ્લામાં આગામી 28મી ફેબ્રુઆરી 2021માં જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની 126 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે 'આપણા સૌનો એક જ નિર્ધાર બાકી ન રહે કોઈ મતદાર' આ હેતુને સાકાર કરવા અને સો ટકા મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવે તે માટે મહીસાગર-લુણાવાડાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
12,000થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
જિલ્લાની 240 શાળાઓના 12,633 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આ બન્ને સ્પર્ધામાં જિલ્લાની 240 માધ્યમિક શાળાઓના અંદાજે 12,633થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી પી. એમ. મોદી દ્વારા જણાવાયું છે.