દિવ્યાંગ વ્યક્તિ પોતે સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના ઉત્થાન માટે વિવિધ કલ્યાણકારી દિવ્યાંગ સહાય યોજનાઓ સમગ્ર રાજ્યમાં લાગુ કરી છે. આ દિવ્યાંગ સહાય યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગતા માટેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં વસતા દિવ્યાંગો કે જેમની પાસે દિવ્યંગતા માટેનું પ્રમાણપત્ર નથી તેવા દિવ્યાંગ લાભર્થીઓ માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા દિવ્યાંગ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લામાંથી દિવ્યાંગ વક્તિઓ આવ્યા હતા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. રજીસ્ટ્રેશન થયા બાદ દિવ્યાંગતાના આધારે લાભર્થીઓની શારીરિક તેમજ માનસિક તપાસ ડૉકટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
દિવ્યાંગતાના પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરવામાં આવેલ દિવ્યાંગ લાભર્થીઓના ફોર્મ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા પણ મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 8 કેન્દ્રો પર કરવામાં આવી છે. જ્યાં લાભાર્થીઓના ફોર્મ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે. જેથી દિવ્યાંગ લાભાર્થીઓને વહેલી તકે દિવ્યંગતાના પ્રમાણપત્ર મેળવી સરકારની વિવિધ દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ મેળવી શકે છે.