મહીસાગરઃ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધ્યક્ષ મગન માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરી લુણાવાડા બ્રાઈટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો.
જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોમાં જિલ્લાકક્ષા પ્રાથમિક વિભાગમાંથી લુણાવાડા તાલુકાના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જશુ વણકર, જિલ્લાકક્ષા માધ્યમિક વિભાગમાંથી મદદનીશ શિક્ષક આશિષ પટેલ, પ્રાથમિક વિભાગમાં શિક્ષક અબ્દુલ સત્તાર શેખ અને સંતરામપુર તાલુકાની નરસિંહપુર પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશચંદ્ર ભાવસારને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, ચેક અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્દબોધનમાં રતનસિંહ રાઠોડે પૂર્વરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ગુરુને સન્માનનો દિવસ એટલે શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન ચૌહાણ, મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દશરથ સિંહ બારીયા, સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક, તેમજ જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાય.એચ.પટેલ સહિત ગુરુજનો ઉપસ્થિત રહ્યાં હતા.