મહીસાગરઃ જિલ્લા લોકડાઉનની સ્થિતીમાં નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે
તેમની ચિંતા કરી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાસ કરીને BPL રેશનકાર્ડ ધારક પરિવારોને અન્નની ખાત્રી આપવા માટે નિર્ધારિત પ્રમાણમાં અનાજનો જથ્થો વિનામૂલ્યે પૂરો પાડવાનો સંવેદના સભર નિર્ણય લીધો છે.
મહીસાગર જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા 1લી એપ્રિલથી વાજબી ભાવની દુકાનો ખાતેથી પાત્રતા ધરાવતા રેશન કાર્ડધારકોને ઠરાવેલા પ્રમાણમાં વિવિધ પ્રકારના ખાદ્યઅન્નનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.
લુણાવાડાના વાડી ગામે આવેલી વાજબી ભાવની દુકાનના દુકાનદાર જયંતીભાઇ પટેલે દુકાનની બહાર લોકોની ભીડના થાય અને ગ્રાહકો વચ્ચે અંતર જળવાયએ માટે વર્તુળો દોરી ગ્રાહકો તેમાં ઉભા રહે તેવું આયોજન કર્યું હતું.
સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે રેશનકાર્ડ ધારક પરિવારોને રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કૂટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠૂં વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.