મહીસાગરઃ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે ઉપયોગી મેડિકલ ઓક્સિજનને પહોંચી વળવા માટે રાજ્યમાં વિશેષ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50 ટકા સુધીનું જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે. તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં મેડિકલ ઓક્સિજનની તાકીદે જરૂરિયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 મુજબ 6 મહિનાની સજા તેમજ દંડની જોગવાઇ છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર ડૉ.એચ.જી.કોશિઆએ જણાવ્યું છે.
ડૉ.કોશિઆએ ઉમેર્યું કે, રાજ્યમાં મેડિકલ ઓક્સિજનનો વપરાશ આશરે 250 ટન જેટલો છે, અને મેડિકલ ઓક્સિજનના લાયસન્સ ઉત્પાદકો કુલ 52 છે. તેમજ રાજ્યમાં ઔદ્યોગિક ઉત્પાદન કરતા આશરે 50 ઉત્પાદકો કાર્યરત છે. મેડિકલ ઓક્સિજનની વધતી જતી માગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અન્વયે રાજ્યમાં ઓક્સિજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરત પણે ઓક્સિજનનું ઉત્પાદન કરવાનું રહેશે. તેઓના કુલ ઉત્પાદનના 50 ટકા ઓક્સિજન ફરજિયાત પણે મેડિકલ ઓક્સિજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે.