મહીસાગરઃ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોની સેમેસ્ટર-6ની પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો છે. કોરોના મહામારીની વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
જિલ્લામાં બાલાસિનોર વિદ્યા મંડળ દ્વારા સંચાલિત બાલાસિનોરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા B.A. સેમેસ્ટર-6ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 405 વિદ્યાર્થીઓ પરિક્ષામાં બેઠાં હતા. કોલેજ પ્રશાસન દ્વારા કોવિડ-19ને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ પહેલાં થર્મલ સ્ક્રીનીંગ અને સેનેટાઈઝ કરી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જરૂરી સૂચનાઓનું પાલન કર્યું હતું. બેઠક વ્યવસ્થામાં પણ જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, યુનિવર્સિટીનું મુખ્ય મથક ગોધરા ખાતે આવેલું છે અને આ યુનિવર્સિટીમાં પાંચ જિલ્લા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની સંલગ્ન કોલેજોને જોડવામાં આવી છે.