લુણાવાડાઃ લોકડાઉનની સ્થિતીમાં નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તેમની ચિંતા કરી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ.માં આવતા અંત્યોદય રેશનકાર્ડ ધારકો, અગ્રતા ધરાવતા કુટુંબો અને નોન એન.એફ.એસ.એમાં આવતાં બીપીએલ રેશન કાર્ડ ધારકોના પરિવારોને આ યોજના હેઠળ મહીસાગર જિલ્લા કલેકટરની સૂચના પ્રમાણે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા 25મી એપ્રિલથી વાજબી ભાવની દુકાનો ખાતેથી પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને ઠરાવેલા પ્રમાણમાં ખાદ્યાન્નનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
સંતરામપુર તાલુકાના ગોધર (પશ્ચિમ) ગામે આવેલી વાજબી ભાવની દુકાનના દુકાનદાર રતીલાલભાઇ પટેલે દુકાનની બહાર લોકોની ભીડ ન થાય અને ગ્રાહકો વચ્ચે અંતર જળવાય એ માટે વર્તુળો દોરી ગ્રાહકો એમાં ઉભા રહે તેવું આયોજન કર્યું હતું. તેમજ આ ઉનાળાની ગરમીમાં રેશન કાર્ડ ધારકોને છાંયડા માટે મંડપ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપી હતી. રેશનકાર્ડ ધારક પરિવારોને રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યક્તિદીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.
લાભાર્થી વિરાભાઇ ખાંટે જણાવ્યું કે, કોરોના લોકડાઉનના સમયગાળામાં જરૂરીયાતમંદ પરિવારો માટે સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણના આયોજનથી ખુશ છે. કોરોના વાઇરસના કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારે હાલમાં અમે ઘરે જ રહીએ છીએ તેવા સમયે અનાજના પુરવઠા અંગે સરકારે ચિંતા કરી તે બદલ સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.