મહીસાગર : કોરોનાની મહામારીના સમયમાં પણ આરોગ્ય કર્મચારીઓ નાગરિકોના કોરોનાની સારવારની સાથોસાથે સગર્ભા માતાઓ, પ્રસૂતા માતાઓ અને નવજાત શિશુઓના આરોગ્યની પણ કાળજી લઈ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર, લુણાવાડાના લુણાવાડા-3 પેટા કેન્દ્રની ફીમેલ હેલ્થ વર્કર દ્વારા નવજાત શિશુ અને પ્રસૂતા માતાઓની ગૃહ મુલાકાત લીધી હતી.તેમજ આરોગ્યની ચકાસણી કરવાની સાથે કોરોનાના કાળમાં પોતાની અને બાળકના આરોગ્યની કેવી રીતે જાળવણી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આજ રીતે RBSK ની ટીમ-442 દ્વારા શહેરના ભોઇવાડા આંગણવાડી ખાતે સગર્ભા માતાઓના આરોગ્યની સાથે તેઓના વજન અને ઉંચાઇની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 0 થી 5 વર્ષના બાળકોના વિકાસનું મોનીટરીંગ કરવાની સાથે બાળકોના આરોગ્યની તપાસ કરી હતી. આરોગ્ય કર્મીઓ જિલ્લાના નાગરિકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટેની કામગીરી કરી રહ્યા છે.