મહિસાગર: ઉપરવાસમાં બજાજસાગર ડેમ (Mahisagar Bajaj Sagar Dem) માંથી હાલમાં 1,42,517 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી 1,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું છે. કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે.

કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે.

કાંઠાના ગામોના લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા, રોકાવા, પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. વઘુમાં કડાણા તાલુકાનો ઘોડીયાર લો-લેવલ બ્રીજ અને લુણાવાડા તાલુકાના હાડોડ લો-લેવલ બ્રીજ બંઘ કરવામાં આવનાર હોઈ પુલના બન્ને છેડે વાહનચાલકો અને નાગરીકોને આ બ્રિજ પરથી પસાર ન થવા પણ જણાવવામાં આવ્યુ છે.