મહીસાગર: શિલ્પ સ્થાપત્યોનો અદભૂત વારસો ધરાવતા આ સ્થળનો જીર્ણોદ્વાર લુણાવાડાના મહારાજાએ સ્ટેટ વખતે કરાવેલો તેવો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળની જવાબદારી પુરાતત્વ હસ્તક છે. આ એક એવું વિકસિત નગર હતું જે કાળક્રમે નાશ પામેલું જોવા મળે છે. અહીં કલેશ્વરી ધામમાં શિવરાત્રી અને જન્માષ્ટમી પર ભવ્ય મેળો યોજાય છે. લોકો દર્શન કરવા દૂર-દૂરથી આવે છે અને બાધા માનતા માને છે. જે ભક્તોની માનતા માતાજી પરીપૂર્ણ કરે છે. આ મેળો આદિવાસીઓની વિરાસત અને વિચરતી વિમુક્ત જાતિઓના વારસાને સમૃદ્ધ કરવા, અવાજ આપવા મેળો ઉજવવામાં આવે છે.
પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવના કાનજી અને જીવીના સંસ્મરણો વાગોળતું આ સ્થળ પ્રત્યેક મુલાકાતમાં લોકોને નવલકથાની યાદ તાજી કરાવે છે. વિવિધ સ્થાનોમાંથી આવેલા લોક કલાકારો પોતાની કલા રજૂ કરે છે. લોક કલાકારોની કલાને ઉપસ્થિત જનમેદની ઉત્સાહ વધારે છે. ભજન, કીર્તન, લોકકલાઓ પ્રસ્તુત થાય છે. કલેશ્વરીના આ પરંપરાગત મેળામાં સાહિત્ય રસિકો, અભ્યાસુઓ, પ્રકૃતિપ્રેમીઓ, પ્રકૃતિની વચ્ચે મેળાને જીવંત નિહાળવા, આદિજાતિ સંસ્કૃતિની સાથે તેમજ પ્રકૃતિની સાથે એકરૂપ થઈ આવે છે.
અહીંના લોકમેળામાં ગુજરાત અને ભારતભરમાંથી દર વર્ષે હજારો કલાકારો અને સર્જકો આવતા હોય છે. આ સ્થળની ખ્યાતિ દેશ-વિદેશ સુધી વિસ્તરી છે. એવું કહેવાય છે કે, એક જમાનામાં આ વિસ્તારોમાં કોઇ વસ્તી ન હતી, ત્યારે બાકોર (લવાણા)માં પહેલા વહેલો ડામોર સમાજ આવીને વસ્યો હતો. એકલા રહેતા આ સમાજના વડવાઓએ ઠાકોર અને બીજા ગામમાં 18 કોમોને વસાવી. સમય જતા સમાજને મનોરંજન માટે કલેશ્વરીમાં આવેલા આ શિલ્પ સ્થાપત્ય વચ્ચેની ટેકરીઓ પર પોતાના સમૂહના કબીલાઓના પુરુષો-સ્ત્રીઓ ગીતો ગાતા, યુવાઓ વાંસળી વગાડતાં, સવારથી સાંજ સુધી માનવ મહેરામણ છલકતો હતો.
સમય જતાં આ સ્થળ અનેક ગામોમાં અને જિલ્લામાં ખ્યાતિ પામ્યું તેથી હજારોની સંખ્યામાં લોકો પર્યટક તરીકે આવવા લાગ્યા છે. આ સ્થળ સંસ્કૃતિના દર્શન અને વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા ઈકોટુરિઝમ વિકસે તે માટે આ સ્થળે વન પ્રશિક્ષણ કેન્દ્ર અને રોકાવા માટે ટેંન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જે જિલ્લા પ્રવાસન વિકાસ માટે મહત્વનું પરિબળ બની રહ્યું છે.