મહીસાગરઃ કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજ્ય મક્કમતાથી લડત આપીને કોરોનાને માત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
કોરોના સામેની લડતમાં તથા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે અને તેને પહોંચી વળવા માટે તંત્રએ પૂરી રીતે તૈયારીઓ કરવાની સાથે સક્ષમ બન્યું છે. તદ્દનુસાર કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર, કડાણા-1 દ્વારા કનાવાડા ગામમાં આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ આરોગ્ય કેમ્પ દરમિયાન ગામમાં એન્ટી લારવલ અને ડસ્ટીંગ તેમજ બી. એસ કનેક્શની કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય કેમ્પમાં ખાસ કરીને સગર્ભા બહેનોની આરોગ્ય- તંદુરસ્તીની ચકાસણીની સાથે વયોવૃદ્ધોની પલ્સ ઓક્સીલેટર મશીનથી ઓક્સિજનની, હાઈપર ટેન્શનની (BP), ડાયાબિટીસની પણ તપાસણી કરી જરૂરિયાતમંદોને જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપી સારવાર કરવામાં આવી હતી.