મહીસાગર: કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન સમય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરીયાણા, શાકભાજી, દૂધ તથા મેડિકલ સ્ટોર્સ જેવી આવશ્યક ચીજવસ્તું ખરીદવા માટે સરકારની સૂચના મુજબ જાહેર જનતાને છૂટછાટ આપવામાં આવી છે.
આવશ્યક ચીજ વસ્તુઓના બહાના હેઠળ કેટલાક ઈસમો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા વારંવાર ઘરની બહાર ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર જેવા ખાનગી વાહનો પર વ્યાજબી કારણો વગર રોડ રસ્તા ૫૨ બિનજરૂરી અવર-જવર કરતા હોય છે. આ લોકડાઉન દરમિયાન બિનજરૂરી ગતિવિધિઓ નિયંત્રિત થાય એ ખૂબ જ જરૂરી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડી મહીસાગર જિલ્લાના તાલુકા મથક તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર જેવા ખાનગી વાહનોના ઉપયોગ પર તા. 14/4/2020 સુધી સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુરના નગરપાલિકા વિસ્તારમાં તેમજ ખાનપુર, વિરપુર, કડાણા તાલુકા મથકમાં લુણાવાડા નગરપાલિકા તેમજ તાલુકા મથક માટે ખાનગી વાહનોના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.