મહીસાગર: ચેરમેન રાજેશભાઇ પાઠકે મહીસાગરમાં યોજાયેલા 71 મા વન મહોત્સવમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમના આયોજન અંગે શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે ગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. કર્મચારીઓ કર્મયોગી બની ફરજ બજાવી રહ્યા છે. વન મહોત્સવ નિમિત્તે લોકો વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરે તેની ખાસ જરૂરીયાત છે. પૃથ્વી પર જીવસૃષ્ટિનું સર્જન વૃક્ષો થકી જ છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે જેના દ્વારા આપણને નવજીવન મળે છે.
પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોનાની બીમારીમાં વ્યક્તિનું ઑક્સિજન લેવલ ઘટી જાય છે ત્યારે આપણે કુદરતી ઓકિસજન વધારવાની સ્થિતી ઉભી કરવી પડશે. વધુને વધુ હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઑક્સિજન વધારતા જવું પડશે.

વન સરંક્ષક આર.ડી.જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, લોકોએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આયોજીત વનમહોત્સવમાં લીમડો, બોરસલ્લી, આંબળા, સીસમ સહિતના વૃક્ષોનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ જિલ્લામાં વન વિભાગ દ્વારા 35 લાખ રોપાના વાવેતરનું આયોજન સાકાર કરી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની ભાવનાને સાર્થક કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમની આભારવિધી રેન્જ ફોરેસ્ટ ઓફીસર એ.એ.પટેલે કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, સંતરામપુર ધારાસભ્ય ડૉ.કુબેરભાઇ ડીંડોર, અગ્રણી જે.પી.પટેલ, મંગળાભાઇ, વાઘાભાઇ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, ગોધરા નાયબ વન સરંક્ષક એમ.એલ.મીના, સામાજીક વનીકરણ ગોધરા નાયબ વન સંરક્ષક એ.એસ.પટેલ, પ્રાંત અધિકારી જાદવ, કડાણા મામલતદાર વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.