મહીસાગર જિલ્લાના કડાણા બંધમાં ઉપરવાસમાંથી આવકમાં વધારો થતા આજે શનિવારે વહેલી સવારે 7 વાગે ડેમના 4 ગેટ 5 ફુટ ખોલવામાં આવ્યા છે. અત્યારે ડેમના ત્રણ પાવર હાઉસ કાર્યરત છે અને જેના દ્વારા 47120 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ ક્યુસેક ઉપર જતી રહી હતી. જેના કારણે ડેમનું જળ સ્તર અને રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું.
જેથી મહી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરાયા હતા અને સર્તકતાના ભાગ રૂપે એક એનડીઆરએફની ટીમ પણ તંત્ર દ્વારા તૈનાત રાખવામાં આવી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક 53508 ક્યુસેક છે અને ડેમનું જળ સ્તર 416.9 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાંથી આવક વધી છે. જેને લઇને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આવક વધશે તો ફરીથી ડેમમાંથી પાણી છોડવાની શકયતાને નકારી ન શકાય.
કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે કડાણા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરીમાં આવેલ વણાકબોરી વિયર (આડબંધ)માં પાણી આવતા વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. વણાકબોરી ડેમની જળ સપાટી 228.50 ફૂટ નોંધાઈ છે અને વણાકબોરી વિયરમાં પાણીની આવક 34000 ક્યુસેક તો જાવક 75000 ક્યુસેક જોવા મળી રહી છે. વણાકબોરી વિયરમાંથી હાલ 2800 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
વણાકબોરી વીયર ઓવરફલો થતા આહલાદક દ્રષ્યો સર્જાયા છે અને ઓવરફ્લો થતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. આ વિયર દ્વારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ બોરસદ, ખંભાત, પેટલાદ તેમજ અન્ય તાલુકામાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જેથી આ તાલુકાઓને લાભ થશે.