કચ્છઃ ચાલુ વર્ષે સરહદી જિલ્લા કચ્છમાં ઉનાળો વહેલો શરૂ થઈ ગયો છે. ત્યારે કચ્છના છેવાડાના સૂકા મલક બન્ની વિસ્તારમાં આજે પણ લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભરઉનાળે આ બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરસ્યા છે. લોકોનું કહેવું છે નર્મદાના નીર નથી મળી રહ્યા. જ્યારે અધિકારીએ જણાવ્યું કે પાઈપલાઈન વાટે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ પાણી પહેલા પાળઃ પંપહાઉસની મુલાકાત લેતા પુરવઠા પ્રધાન બાવળીયા
મહિલાઓ ગામના ટાંકા પર પડાપડી કરીને પાણી ભરે છેઃ બન્ની વિસ્તારના નાના સરાડા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા નાના સરાડા, મોટા સરાડા, રભુ વાંઢ, સાંવલપુર વાંઢ વગેરે ગામોમાં હાલ લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં રભુ વાંઢની મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી ભરવા જઈ રહી છે. સાથે જ ગામની મહિલાઓ પાણી ભરવાના વાસણો લઈને ગામના ટાંકા પર પડાપડી કરીને પાણી ભરી રહી છે. તો બન્ની વિસ્તારના કેટલાક ગામડાઓમાં ખાસ કરીને વાંઢમાં હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
મહિલાઓ સવારે મજૂરી કરવા જાય અને સાંજે પાણી માટે વલખાં મારેઃ ગામનાં સ્થાનિક જીજાબાઈ આચારે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ પોતાની સાથે નાનું બાળક રાખીને હેલ લઈ રોજ પાણી ભરવા જાય છે. બાળકોની માતા રોજ સવારે લાકડા કાપવાની મજૂરી કરવા જાય છે. ને સાંજે ફરીથી પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. પાણીની સમસ્યા છેલ્લાં 2 વર્ષથી ખૂબ જ છે. આ સમયે ગંદું પાણી આવે છે. તે અમને પીવું પડે છે એટલી તકલીફ છે.
3 મીટરની સામે 1 મીટર પણ પાણી નથી આવતુંઃ ગામના જ સ્થાનિક એવા અબ્દુલ કરીમે જણાવ્યું હતું કે, પાણીની ખૂબ જ સમસ્યા છે. પાણી ગામમાં મળતો જ નથી. પાણી પૂરવઠા કચેરીએ રજૂઆત કરવામાં આવે છે. તો અધિકારીઓ કહે છે કે, હા, પાણી આવી જશે. અધિકારીઓ કહે છે કે, 3થી 4 મીટર પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ સંપ પર પૂછવામાં આવે છે તો અડધાથી 1 મીટર જ પાણી આવ્યું હોય છે. પાણીની સમસ્યા એટલી બધી સતાવી રહી છે કે, ગામ છોડીને હિજરત કરવી છે, પરંતુ બીજી કોઈ જગ્યા પણ નથી મળી રહી.
પાણીની સમસ્યાના કારણે હિજરત કરવા પણ મજબૂરઃ ઉનાળાની શરૂઆત સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે તથા ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. ગામમાં લોકો પાણીની સમસ્યાના કારણે હિજરત કરવા પણ મજબૂર બન્યા છે. ગામમાં પશુઓના અવાડા પણ ખાલી સૂકા જોવા મળી રહ્યા છે.
પાણી પૂરવઠા બોર્ડની પાઈપલાઈન નથી ત્યાં જ પાણીની ફરિયાદો મળે છેઃ પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પૂરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ડી. જી. રામાનુજે જણાવ્યું હતું કે, હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી નિયમિત મળે છે. મોટા ભાગના ગામોમાં પાઈલાઈનમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે ગામમાં પાણી પુરવઠા બોર્ડની કનેક્ટિવિટી નથી કે, જ્યાં દૂરના વિસ્તાર કે, જ્યાં માલધારીઓ પશુઓ ચરાવવા જાય છે અને ત્યાં 4-5 ઘર કે એવી રીતે કરીને બેઠા છે. ત્યાં પાણી પૂરવઠા બોર્ડની પાઈપલાઈન નથી. ત્યાં જ પાણીની ફરિયાદો મળે છે. તો બાકી મોટા ભાગના ગામમાં પાણીની કોઈ ફરિયાદ નથી નિયમિત પાણી આપવામાં આવે છે.
77 કરોડની યોજના અંતર્ગત પહોંચાડવામાં આવે છે પાણીઃ ડિસેમ્બર 2022માં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભૂજ મતવિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ બન્ની જૂથ સુધારણા પાણી પૂરવઠા યોજના કે, 77 કરોડની હતી. તેનું ખાતમુર્હુત કરાવ્યું હતું. જે યોજનાનું મહદઅંશે કામ પૂર્ણ થઈ ગયું છે. તેમ જ એ પાઈપલાઈન દ્વારા હાલમાં કુકમા સંપથી નર્મદાનું પાણી ઇન્ડિયા બ્રિજ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત વચ્ચે આવતા બધા ગામો અનેક વર્ષોથી પાણીની ફરિયાદ હતી, જ્યાં લોખંડની નવી પાઇપલાઇન નાખી પાણી ચાલુ કરી દેવાયુ છે. તો બીજા ગામોમાં હજી કામગીરી પૂર્ણ નથી થઈ, પરંતુ આ ગામોમાં સતત 24 કલાક પાણી મળી રહે તે માટેનું કામ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરાના સાવલીમાં ખેડૂતો સ્વખર્ચે સિંચાઈનું પાણી લેવા બન્યા મજબૂર, આજે પણ નર્મદાના પાણીથી વંચિત
દૂષિત પાણીની સમસ્યા ટાંકાની સફાઈ કરી દૂર કરાશેઃ ગામના લોકોની દૂષિત પાણી અંગેની ફરિયાદો અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, એવું હશે તો પાણીથી ટાંકો સાફ કરી દેવામાં આવશે અને ક્લોરિનયુક્ત પાણી કરી દેવામાં આવશે, જેથી ટાંકો એકદમ સાફ કરી દેવામાં આવશે. વરસાદી પાણીમાં દૂષિત પાણી આવ્યો છે તેનો થોડો પાણીમાં કલર છે એ નીચે માટી હોય માટે થોડો લાલ દેખાય છે, પરંતુ ખરેખર એ પાણી તાત્કાલિક ટાંકો સાફ કરી દઈને સમસ્યા દૂર કરાશે.