કચ્છઃ જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 65 પર પહોંચી છે. આ વચ્ચે છ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હો્સ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બે યુવક અને 12 દિવસની નવજાત બાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ આપેલી સતાવાર માહિતી મુજબ કચ્છમાં વધુ 3 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં રાપર સેલારીના 38 વર્ષના યુવક અને અંજારના જૂની દુધઈના 33 વર્ષના યુવકના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે ભચાઉના જૂના કટારીયાની 21 દિવસની નવજાત બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ પહેલા આ બાળાના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ બાળા હાલ માતા સાથે જ હોસ્પિટલમાં છે. જ્યારે આ બન્ને યુવકો મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું તંત્રએ જણાવ્યુ હતું. કોરોના મહામારીના વધતા કહેર વચ્ચે કચ્છમાં 6 દર્દીઓ કોરોનાને મહાત આપીને સ્વસ્થ થયા છે. કચ્છમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છને રાહતરૂપ સમાચાર છે. આદિપુરની હરિ ઓમ હોસ્પિટલમાં દાખલ 6 પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ હતી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા રજા આપતી વેળાએ સ્વસ્થ થયેલા દર્દીઓનું ફૂલોથી અભિવાદન કરાયું હતું. બીજી તરફ આજે પોઝિટિવ કેસ જાહેર થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની ટીમે વાગડ વિસ્તારમાં પોઝિટિવ કેસ ધરાવાતા વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને જાહેરનામાની કડક અમલ સાથે કામગીરીનો રિવ્યું લીધો હતો.