- કચ્છમાં 1.36 લાખ હેક્ટરમાં થતા વાવેતર
- સિંચાઈ માટે 89 ટકા પાણીનો સંગ્રહ
- ગત વર્ષ કરતાં 10 ટકા વાવેતરમાં વધારો
કચ્છ: કચ્છની સુકીભઠ્ઠ ધરતી પર ચોમાસું સારું જાય એટલે ખેડૂતો રવિ પાકનું વાવેતર શરૂ કરે છે. આ વર્ષ સારા ચોમાસા ઉપરાંત વધુ વરસાદને પગલે ચોમાસુ પાકમાં નુકસાની, ધોવાણ બાદ નવી સિઝનમાં ખેડૂતોએ ફરી હિંમત સાથે વાવેતર શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે 1.25 લાખ હેક્ટર સામે આ વર્ષે 10 હજારથી વધુ વાવેતરનો ઉમેરો થવાની શક્યતા છે. ખેતીવાડી વિભાગના સર્વે મુજબ 10 હજાર હેક્ટરમાં વધારાના વાવેતર સાથે 1.36 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થઇ શકે છે.
વધુ હેક્ટરમાં થશે વિવિધ પાકોનું વાવેતર
જિલ્લા ખેતીવાડી અધિકારીએ ડી.એમ. મેણાતે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે સારા વરસાદને પગલે ભૂગર્ભજળ ડેમ, ચેક ડેમ, તળાવમાં પાણીને પગલે ખેતરો સુધી સિંચાઇની કોઈ સમસ્યા નથી. સામે ચોમાસામાં જમીન અને પાકમાં નુકસાન બાદ નવી સીઝન સાથે ખેડૂતો પણ વાવેતરમાં જોડાયા છે. હાલ ઘઉં અને જીરાનું વાવેતર શરૂ થવાની તૈયારીમાં છે. રાઇનું વાવેતર થઈ ચૂકયું છે. 4186 ટ્રેક્ટરમાં ઘઉં 800 હેક્ટરમાં જીરુ 1100 હેક્ટરમાં વાવેતર થયું છે. ઘાસચારો તેમજ શાકભાજીનું વાવેતર થયું છે આમ દસ ટકાના વધારા સાથે રવિપાક લેવાશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
કચ્છમાં 89 ટકા પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ
કચ્છના સિંચાઈ અધિકારી એ.આર.દ્વીવેદીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 332 મિલિયન ક્યુબિક મીટર પાણીની ક્ષમતાની ડિઝાઇન છે જેની સામે હાલ 276 મિલિયન કયુબિક મીટર પાણી એટલે કે 89 ટકા સંગ્રહ થયો છે. જિલ્લાના મુખ્ય સિંચાઇના ડેમો પૈકી 11 ડેમો 96 થી 100 ટકા ચાર ડેમ 75 ટકા અને અન્ય ડેમ 65 ટકા જેટલા પાણીથી ભરાયેલા છે. આમ 89% પાણીથી જિલ્લામાં સિંચાઇ માટે ખેડૂતોને કોઈ જ સમસ્યાની શક્યતા નથી.