કચ્છ-ભુજ: ભુજ સ્થિત જલસેવા નગર ખાતે પાણી પુરવઠાના ચીફ એન્જિનિયર વનરાએ જણાવ્યું હતું કે, ગૂગલ ડ્રાઇવ અને એક્સેલ સીટને ભેગા કરીને એક સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર જિલ્લામાં પાણી વિતરણની બાબતો સીધી જ ઓનલાઇન મળી રહેશે. નર્મદા યોજના અને સ્થાનિક સ્ત્રોત મળીને કેટલું પાણી મળ્યું અને આ જથ્થા પૈકી પીવા અને ઔદ્યોગિક હેતુ માટે કેટલું પાણી વિતરણ કરાયું. તેની માહિતી પલભરમાં મળી જશે.
કચ્છના તમામ 870 ગામ અને તમામ ઔદ્યોગિક જોડાણોની માહિતી આ સોફ્ટવેરમાં આવરી લેવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ઓનલાઈનમાં ક્યાંક કચાસ થશે તો તરત જ તેની જાણકારી પણ મળી જશે. આ ઉપરાંત વોટર મીટર લગાવવાની વિચારણા પણ ચાલી રહી છે.
આ વોટર મીટર એટલું ઉપયોગી થશે કે, દરેક કલાકના અંતે મેસેજ વડે વિતરણની તમામ માહિતી એકત્ર કરી શકાશે. સૌથી મહત્વની બાબત એ રહેશે કે, આ વોટર મીટરથી પાણી ચોરી અને વેડફાટ પર અંકુશ આવી જશે. ખાસ કરીને જુથ યોજના હેઠળના વિતરણમાં આ વોટર મીટર લગાવવામાં આવશે. કારણ કે, વધુ પાણી વિતરણના મુદે આ યોજનામાં નારાજગી અને ફરિયાદો જોવા મળે છે