મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહી હોય, તેવું દ્રશ્ય કોઇ ગામડાનું નહી, પરંતુ કચ્છના મુખ્ય મથક ભુજનું છે. વોર્ડ નંબર-2માં આવેલા ભુતેશ્રવલ વિસ્તારમાં 15 દિવસે પાણી આવે છે. પાલિકાનું ટેન્કર આવે, ત્યારે તમામ લોકો બધું કામ છોડી પીવાના પાણીની ચિંતા સાથે લાઇનમાં ઉભા રહી જાય છે. પ્રાથમિક સુવિધાથી વંચિત આ વિસ્તારના લોકોએ તંત્ર સમક્ષ રજુઆત કરી છે, પરંતુ સમસ્યાનો કોઇ ઉકેલ નથી. લોકોના કહેવા મુજબ, તેમના ઘરોમાં પાણીની લાઇન નથી અને પાલિકાની જે લાઇન છે તેમાં પાણી આવતું નથી.
ટેન્કર આવે ત્યારે લોકો પાણી ભરે છે, નહીં તો પૈસા ખર્ચી ખાનગી ટેન્કર મંગાવીને પીવાની પાણીની જરૂરીયાત સંતોષે છે. લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે. ચૂંટણી સમયે પણ તેમને વચનો મળ્યા હતા, પરંતુ આજે જ્યારે ઉનાળો છે ત્યારે તેઓ મુશ્કેલી વચ્ચે પાણી મેળવે છે. જ્યારે પાણી આવે છે, ત્યારે બેડા યુધ્ધ સર્જાય છે. લોકોની માંગ છે કે, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા થાય છે. આવા જ દ્રશ્યો ભુજના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ભુજમાં નર્મદા આવ્યા બાદ મોટાભાગના વિસ્તારોમાં પાણી સમસ્યા દુર થઇ છે. પરંતુ હાલ જ્યારે આકરો ઉનાળો છે, ત્યારે યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે તેઓ લાંબા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે. જેની પ્રતીતિ તેમના પાણી માટે સંઘર્ષ કરતા દ્રશ્યો કહી આપે છે.