કચ્છમાં લોકસભાની ચૂંટણીઓ માટે મતગણતરીને તમામ તૈયારીઓ કરી લેવાઈ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી સહિત 2000થી વધુનો સ્ટાફ આ કામગીરીમાં લાગી ગયો છે. આવતી કાલે સવારે 5 વાગ્યાથી આ તમામ સ્ટાફ કામે લાગશે તે સંભવત પ્રથમ વખત મોડી સાંજ સુધી કામગીરી આટોપીને સ્પષ્ટ અને સતાવાર ચૂંટણી પરીણામ બહાર પાડશે.
ભુજ એન્જીનિયરીંગ કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્રમાં 7 મોટા ખંડમાં રાબેતા મુજબ ગણતરી હાથ ધરવામાં આવશે. એક-એક ખંડમાં 14-14 ટેબલ પર EVMમાં પડેલા મતોની ગણતરી થશે. જો કે, સત્તાવાર મત ગણતરી સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. પ્રથમ પોસ્ટલ મતોની મોજણી થશે, ત્યાર બાદ અર્ધા કલાકના વિરામ પછી EVM હાથ પર લેવાશે અને જ્યારે EVM ગણાઇ જશે. ત્યાર બાદ છેલ્લે મતગણતરીના ખંડમાં માઇક્રો ઓબ્ઝર્વર કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં જે તે વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર કાચની બરણીમાં નખાયેલા નંબરોમાંથી ડ્રો સ્વરૂપે અલગ-અલગ પાંચ ચિઠ્ઠી કાઢશે અને એ પાંચ મતદાન બૂથના VVPAT ગણતરી ટેબલ પર લાવી મેન્યુઅલ થોકડીઓ બનાવી તેની જૂની પદ્ધતિથી ગણતરી થશે.
ઉલ્લેખનીય છે કે, EVM નામ જોડાયેલું છે પણ વાસ્તવમાં એ બી.યુ. (બેલેટ યુનિટ) અને સી.યુ. (કંટ્રોલ યુનિટ) એમ બે બેટરી સંચાલિત યંત્રોનું બનેલું છે. મતદાર મત આપે બી.યુ. પર અને મત જમા થાય સી.યુ.માં. ગણતરી વખતે સીલબંધ કંટ્રોલ યુનિટમાં જેટલા મતો હોય એટલા જ મતો VVPATમાં કાપલી સ્વરૂપે પણ નીકળવા જોઇએ અને એટલા જ મતો જે તે' બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરે સહી-સીલ-સિક્કા સાથે આપેલા 17-ઘ નામના પત્રકમાં હોવા જોઇએ. ગણતરી વખતે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આ ત્રણેય એકમોની એક જ ટેબલ પર ગણતરી થશે અને ત્રણેયનો આંક એક જ આવશે તો જ ચૂંટણી તટસ્થ અને નિર્વિવાદિત ગણાશે.
કચ્છ લોકસભામાં સમાવિષ્ટ મોરબી સહિતની સાત વિધાનસભા બેઠકોના મળીને 17,43,825 મતદારોમાંથી 10,15,357 મતદારોએ 23મી એપ્રિલના મતદાન કર્યું હતું. આ મતદાન બાદ હવે મત ગણતરીનો તખ્તો સંપૂર્ણ તૈયાર છે. ગુરુવારે સવારે પાંચ વાગ્યે ચૂંટણી પંચ વતી કચ્છનો સ્ટાફ ગણતરીએ પહોંચશે. તે સાથે જ પરાકાષ્ટા સ્વરૂપ અંતિમ તબક્કો શરૂ થઇ જશે અને સત્તાવાર પરિણામની જાહેરાત સંભવત: સાંજ સુધી કરી દેવાશે. આ વખતે EVM ઉપરાંત VVPATની પણ ગણતરી થવાની હોવાથી વિજેતાનું નામ સાંજે 7 વાગ્યા સુધીમાં જાહેર કરી દેવાય તેવી સંભાવના છે.
આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે આ મતગણતરીની તૈયારી સંદર્ભે યોજેલી પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં જણાવાયું હતું કે, કુલ 2000નો સ્ટાફ આ ગણતરી પ્રક્રિયા પાર પાડશે. 14 ટેબલના એક રાઉન્ડ એ હિસાબે ગણતરી આગળ વધતી જશે. આ વખતે મોબાઇલ પર ચૂંટણીપંચે પ્રતિબંધ મૂક્યો હોવાથી તંત્રનો દાવો છે કે, કોઇને પણ મોબાઇલ લઇ જવા દેવાશે નહીં. જો કે મીડિયા સેન્ટરમાં મોબાઇલની છૂટ છે અને કોમ્યુનિકેશન રૂમની બાજુમાં એક ખાસ રૂમ ઊભો કરાયો છે. જ્યાં ટોકન લઇને મોબાઇલ સંગ્રહ કરાશે. VVPATના મતોની ગણતરી દરેક વિધાનસભા ગણતરી સંકુલમાં 8 નંબરની ટેબલ પર હાથ ધરાશે, જે માટે ખાસ કચ્છના ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને એક-એક ખાનાદાર ટેબલ તૈયાર કરાઇ છે. જેમાં 11 ખાનામાં 11 દાવેદારના નામવાળા VVPATની કાપલી મૂકી 25-25ની સંખ્યામાં રબ્બર બેન્ડથી બાંધી ગણતરી થશે.