કચ્છ : કોરોનાની મહામારી વચ્ચે સોશ્યિલ મીડિયા પર ફરી રહેલા અનેક મેસેજથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. સરકાર દ્વારા અનેક પ્રયાસો છતાં આવા ફેક મેસેજ વાઈરલ થાય છે. લોકોની સાથે તંત્ર પણ પરેશાન થાય છે. આવું જ કંઈક કચ્છમાં બની રહ્યું છે. લોકડાઉનને પગલે શ્રમિકો અટવાયા છે. પોતાના ઘરે જવા માંગે છે, ત્યારે કચ્છમાં લાખો શ્રમિકોને ગેરેમાર્ગે દોરવા માટે કચ્છમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી વોટસએપ, ફેસબૂક અને અન્ય સોશ્યિલ મીડિયામાં એક ફેક મેસેજ વાઈરલ થયો છે.
આ ફેક મેસજમાં કચ્છમાં કાર્યરત પરપ્રાંતિય શ્રમિકો અથવા છાત્રોને તેમના વતન જવા માટે વહીવટી તંત્રએ વ્યવસ્થા કરી હોવાનું અને તે માટે સંબંધિત તાલુકાના મામલતદારોનો સંપર્ક કરવાનું આ મેસેજમાં જણાવાયું છે. જેને પગલે અનેક લોકો તંત્રની કચેરીએ દોડી જાય છે, ફોન કરે છે અને જયારે મેસેજ ખોટો હોવાનું માલૂમ પડતાં ઉગ્ર નારાજગી વ્યકત કરે છે.
આજે એક સત્તાવાર યાદીમાં આ જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટીએ આ મેસેજને ફેક ગણાવી આવા સંદેશાથી ગેરમાર્ગે નહી દોરાવા જાહેર અનુરોધ કર્યો છે. આ પ્રકારના ફેક મેસેજ ફોરવર્ડ કરીને અફવા ના ફેલાવવા અનુરોધ કરી GSDMAએ માત્ર રાજ્ય સરકાર કે જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવતી અધિકૃત સૂચનાઓ જ ધ્યાને લેવા સૂચના આપી છે. આવી અફવા ફેલાવનારાં તત્વો સામે તંત્ર દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવાશે તેવી ચીમકી અપાઈ છે.