કચ્છઃ અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા તોડ-જોડ નીતિ શરૂ થઇ છે અને કોંગ્રેસને ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે. શુક્રવારના રોજ ભુજના ટાઉન હોલમાં આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પંચાયતના બે સભ્યો તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જો કે, કોંગ્રેસે બંનેના જવાથી પાર્ટીને અને પેટા ચૂંટણીમાં કોઇ નુકસાન નહીં થાય તેમ જણાવ્યું છે.
અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપ એડીચોટીના જોર લગાવવાનું શરૂ કર્યું છે. બે દિવસના પ્રદેશ આગેવાનોના પ્રવાસ દરમિયાન કાર્યકરો માટે ભુજમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસી પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અબડાસા વિસ્તારના બે આગેવાનો અને જિલ્લા પંચાયત સભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં એક પ્રદ્યુમનસિંહ જાડેજાના ભત્રીજા ખમાબા અને બીજા પાન્ધ્રો જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના આગેવાનોને તોડી ભાજપ વધુ મજબૂત બન્યું હોવાનું કઈ ભુપેન્દ્રસિંહ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અબડાસા બેઠકના ચૂંટણી ઇતિહાસ બદલવાની વાત કરી હતી. તો ભાજપનો ખેસ ધારણ કરનારા હઠુભાએ પાર્ટીના વિકાસને જોઈને તેઓ જોડાયા હોવાનું જણાવ્યું હતું.