કચ્છઃ ભુજમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને શહેરમાં બસ સ્ટેશન, વાણિયાવાડ, વોકળા ફળિયામાં પાણી ભરાયા છે. આ મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જવા સાથે ગટર ચેમ્બર ઉભરાઈ રહી છે. વર્ષોથી વેપારીઓ આ મામલે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે બુધવારે ભુજ નગરપાલિકામાં વેપારીઓએ હલ્લાબોલ કર્યો હતો.
સામાન્ય રીતે એક બે દિવસમાં પાણી ઓસરી જતા હોવાથી વેપારીઓ રજૂઆત કરીને મન મનાવી લેતા હતા, પરંતું આ વખતે શહેરના ભીડ ગેઈટ અને સ્ટેશન રોડ પર ગટર લાઈન બેસી ગઈ છે, જેને પગલે બજારોમાંથી દેશળસર તરફ વહી જતું વરસાદી પાણી અટકી ગયું છે અને ગટરના પાણી ઉભરાઈને બજારમાં ફરી રહ્યા છે. આ સ્થિતીને પગલે નારાજ વેપારીઓ બુધવારે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા.
વેપારી કૌશિક કોઠારીએ ETV ભારતને જણાવ્યું હતું કે, વર્ષોથી આ મુદે રજૂઆત કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતા હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ ગટરના પાણી બજારમાં ફરી વળ્યા છે. જેથી વેપારીઓ સાથે ગ્રાહકો પણ પરેશાન છે. ત્યારે નારાજ વેપારીઓ લેખિત ખાતરી સિવાય માનશે નહી.
નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, હાલ કામગીરી ચાલી રહી છે. ભીડ ગેઈટ પાસે બેસી ગયેલી લાઈન બદલી લેવાઈ છે અને સ્ટેશન રોડ પર કામગીરી ચાલુ છે. તેમજ જણાવ્યું કે બે દિવસમાં આ સમસ્યાનું સમાધાન થઇ જશે. ત્યારે વેપારીઓને લેખિતમાં ખાતરી અપાતા મામલો શાંત થયો હતો.