કચ્છ: રાજ્યપાલ દેવવ્રતે પત્રકારોની સાથે ઔપચારિક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, 2022માં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું વાતાવરણ બનાવવામાં આવશે. જે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કચ્છમાં ખેડૂતો સાથેની મુલાકાત ખુબ જ સરસ રહી હતી. ખેડૂતો પાકૃતિક અને સફળ ખેતી સાથે 2-3 ગણી આવક વધારી શકે છે. કચ્છના પ્રવાસને આવરી લેતા મહામહિમે જણાવ્યું હતું કે, કચ્છના સફેદ રણની મુલાકાત સહિતના પ્રવાસથી એ બાબત સ્પષ્ટ છે કે, કચ્છમાં સકારાત્મક પ્રવાસનની તકો વિકસી છે. કાળો ડુંગર, ધોરડો ગામનું નિરીક્ષણ, વણકરભાઈઓ સાથે મુલાકાત સાથે એક રણના વિકાસ થકી મોટી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.
કચ્છી ભરતકામમાં વંશપરંપરાથી ચાલ્યું આવતું ભરતકામ નવા લિબાસમાં રજૂ થયેલું હતું. અજરખપુર ગામે ઈસ્માઈલ મોહમ્મદ ખત્રીના ક્રાફ્ટ સ્ટુડિયોની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો અનુભવ કરાવતાં ભુજના પ્રાગમહેલ અને આઇના મહેલની મુલાકાત લીધી હતી. પ્રાગમહેલની મુલાકાત વેળાએ કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા તેમજ મયૂરધ્વજસિંહ જાડેજાએ રાજ્યપાલને આવકાર્યા હતા. આયના મહેલમાં હનુમંતસિંહજી જાડેજા, મોહનભાઈ શાહ અને નારણજી જાડેજાએ આવકાર્યા હતા અને આઈના મહેલના ઈતિહાસ અને સ્થાપત્ય કળા અંગે માહિતગાર કર્યા હતા.