કચ્છ : આર્થિક પાટનગર ગાંધીધામમાં નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે પાલિકા પ્રમુખ પર શાહી ફેંકાઈ હતી. ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા પહેલા હોબાળો થયો હતો. વોર્ડ નંબર 12માં કામ થતા ન હોવાના આક્ષેપ સાથે પાલિકાના મહિલા પ્રમુખનુ મોઢું કાળું કરવાનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી છે.
શું હતો સમગ્ર મામલો : કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ નગરપાલિકાની આજે ફરી વિવાદમાં આવ્યું છે. ગાંધીધામ નગરપાલિકામાં નહિ પરંતુ ટાઉન હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભા પહેલા જ શહેરના વોર્ડ -12માં વિકાસના કામ ન થતા વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કોઈએ પાલિકા પ્રમુખ ઇશીતા ટીલવાણી પર શાહી ફેંકી હતી.
પ્રમુખે પોલીસને કરી જાણ : સૂત્રો અનુસાર ગાંધીધામના નગરજનો પણ અનેક વખત નગરપાલિકાના પ્રમુખની નિષ્ક્રિય કામગીરીથી નારાજ થઇ અનેક વખત ભાજપના ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે. નગરપાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી ચૂક્યા છે. ત્યારે આજે ઇશીતા ટીલવાણી પર શાહી ફેંકાતા સમગ્ર ઘટના કચ્છમાં વાયુવેગે પ્રસરી હતી અને ભારે ચકચાર મચી હતી. આ મામલે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઇશીતા ટીલવાણીએ પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો : Mock G-20 Summit: કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ યોજી મોક G-20 સમીટ
અગાઉ પણ લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપો : ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અગાઉ પર અનેક વાર વિવાદમાં રહ્યા છે અને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકામાં ભષ્ટાચારના મુદ્દે ફરી શાસક પક્ષ ભાજપના નગકસેવકો અને પદાધિકારીઓ સામસામે આવી ગયા હતા. અગાઉ 42 લોકો દ્વારા અવિશ્વાસની રજૂઆત પછી ફરી એક વખત 22 જેટલા નગરસેવકોએ મંજુરી વગર થયેલા વિકાસકામોના મુદ્દે નારાજગી વ્યક્ત કરીને ભ્રષ્ટાચાર માટે પાલિકાના જવાબદારો સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : BSF Gujarat: ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવી ગાંધીએ કચ્છના બોર્ડર વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી
સમસ્યાઓથી લોકો ત્રસ્ત : સૂત્રો અનુસાર ગાંધીધામ શહેરમાં અનેક સમસ્યાઓનો સામનો પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે પાણી, રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સવલતોની સમસ્યા પણ લોકોને અનેક સમયથી સતાવી રહી છે, ત્યારે અવારનવાર ગાંધીધામ નગરપાલિકામાં સતાધીશો પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પણ કરવામાં આવે છે અને સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું અને વારંવાર નગરપાલિકા વિવાદમાં આવતી રહે છે.