માંડવી તાલુકાની વીસથી વધુ પાંજરાપોળ, ગૌશાળા અને ઢોરવાડા સમિતિઓ દ્વારા જીવદયા પ્રવૃતિની ભાવનાને અનુમોદન આપવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ રાજય સરકાર દ્વારા ખુલ્લા દિલે લેવાયેલાં ઐતિહાસિક નિર્ણયો, બચાવ-રાહત-સહાયના કાર્યો, મહાજનો, દાતાઓના દાન અને જનપ્રતિનિધિઓની સુઝ-માર્ગદર્શનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજયપ્રધાન વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજયપ્રધાન તારાચંદભાઈ છેડાના હસ્તે સ્મૃતિચિન્હ અને શાલ પહેરાવી અબોલ જીવોને બચાવવાની કામગીરી બદલ અભિવાદન કરાયું હતું.
રાજય સરકાર દ્વારા સાડા નવ મહિના જેટલા લાંબા સમય સુધી કચ્છની અછતની પરિસ્થિતિ દરમિયાન સુપેરે કામગીરી પાર પાડવામાં રાજય સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, વિશ્વભરના કચ્છીજનો, મહાજનો, ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડા સમિતિના સંયુકત પ્રયાસોથી ખાસ કરીને કયાંયે એક પણ પશુનું મરણ પામ્યું ન હતું, તેનો રાજીપો વ્યકત કરાયો હતો. વાસણભાઈ આહીરે કચ્છના જીવદયા પ્રેમી સંસ્થાઓ સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ દ્વારા જે રીતે રાત-દિવસ જોયાં વિના પશુઓની સેવાને યાદ કરી સૌનો રાજય સરકાર વતી આભાર માન્યો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છમાં સમગ્ર અછતની પરિસ્થિતિ દરમિયાન જે રીતે અબોલ જીવોને બચાવવાનું અને ઘાસ-પાણીનું સુનિયોજિત આયોજન કરાયું તેનો ઉલ્લેખ કરી રાજયનાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની કચ્છની અવાર-નવાર મૂલાકાત લઇ અછતના મુકાબલા માટે તંત્ર સાથે બેઠકો કરાઇ હતી. અછતનો ચિતાર મેળવતાં રહીને જે રીતે રેલવે રેકના માધ્યમથી ઘાસ પુરૂ પડાયું, અને અછત સંદર્ભે ઢોરવાડા, પાંજરાપોળને સબસીડી સહાય સહિતના સંવેદના પ્રગટ કરતાં ત્વરિત નિર્ણયો લેવાયાં હતા, તેની સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેકટર રેમ્યા મોહન તથા સમગ્ર વહીવટીતંત્ર, મહાજનો- ગૌશાળા-પાંજરાપોળ સંગઠ્ઠનો, બધાએ ખભે-ખભાં મીલાવીને જે રીતે અદ્દભૂત કાર્ય કરાયું ,તેની પણ સરાહના કરી હતી.