- 6 દિવસની તપાસ બાદ 3000 કિલો હેરોઇન 2 કન્ટેનરમાંથી જપ્ત
- ચેન્નઇના દંપતી સુધાકર અને વૈશાલીની ધરપકડ કરાઇ છે
- કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
કચ્છ: મુન્દ્રા પોર્ટ ખાતે આવેલા બે કન્ટેનરમાંથી ટેલકમ સ્ટોન પાઉડર સાથે ભેળવીને કુલ 3,000 કિલો હેરોઇન ડીઆરઆઇએ ઝડપી લઈ ખૂબ મોટો ધડાકો કરતા સમગ્ર દેશની તપાસ એજન્સીઓ આ હેરોઈન પ્રકરણમાં જોડાઈ હતી. આ ઉપરાંત આ હેરોઈનની કિંમત 15,000 કરોડ આંકવામાં આવી છેપરંતુ હજી પણ સતાવાર રીતે કોઈ આંકડાકીય માહિતી આપવામાં આવી નથી.
દંપતિ પાસે આયાત નિકાસ કરવાનો પરવાનો
આ પ્રકરણ દરમિયાન વિજયવાડાના પોલીસ કમિશનરે એક અખબારી યાદી જાહેર કરીને તેમાં જણાવ્યું હતુ કે, મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા 3,000 કિલો હેરોઇનના જથ્થાને વિજયવાડા લઈ જવાનો હતો પરંતુ આ પ્રકરણમાં સંડોવાયેલા ચેન્નઈના વૈશાલી અને તેના પતિ સુધાકરે જીએસટીનું રજીસ્ટ્રેશન વિજય વાડાના સરનામે મેળવ્યું હતું. આ મકાન વૈશાલીના સંભવિત માતા તારા કાકાના નામનું છે. આયાત નિકાસ કરવાનો પરવાનો પણ મેળવ્યો હતો અને આ દંપતિ વર્ષોથી ચેન્નઈમાં જ રહે છે. આ પ્રકરણ અંગે હજુ પણ વધારે તપાસ ચાલુ છે આ દરમિયાન વિવિધ તપાસ એજન્સીઓએ અમદાવાદ,દિલ્હી ,ચેન્નઈ વગેરે સ્થળે દરોડા પાડયા હોવાનો પણ આ અખબારી યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
NDPS કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સમગ્ર દેશભરમાં કેફી દ્રવ્યનો સૌથી મોટો કેસ બની ચૂકેલા મુન્દ્રા પોર્ટના હેરોઇન પ્રકરણમાં આયાતકાર તરીકે સામે આવેલા ચેન્નાઈના દંપતી સુધાકર અને તેમના પત્ની વૈશાલીને ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ બંનેની રિમાન્ડ અરજી અદાલત સમક્ષ રજૂ કરી હતી. સરકારી વકીલની મુદ્દાસરની રજૂઆતને પગલે એનડીપીએસ કોર્ટના ખાસ જજ પી.આર પવારે રિમાન્ડ મંજૂર રાખી હતી અને બંને આરોપીઓને 30મી સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં મુકવાનો આદેશ કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં આ પ્રકરણની ગંભીરતા પાછળના રહસ્યો તથા કોણ આ પ્રકરણમાં સંડોવાયેલો છે તે બહાર આવશે.
આ પણ વાંચો: ગુજ. ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરાઈની ચર્ચા
આ ઉપરાંત આ સમગ્ર હેરોઈન પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા વધુ ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઇ હોવાના અને તેમાંથી બે અફઘાન નાગરિક હોવાના મેસેજ વહેતા થયા હતા પરંતુ કોઇ સત્તાવાર રીતે માહિતી બહાર આવી નથી. આરોપી દંપતીના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તે દરમિયાનની પૂછપરછ દરમિયાન વધારે માહિતી બહાર આવી શકે છે તેવી શક્યતા છે.
મુન્દ્રામાં વધુ ત્રણ કન્ટેનરની કસ્ટમ તંત્રે શરૂ કરી તપાસ
મુન્દ્રા પોર્ટમાં વધુ ત્રણ કન્ટેનરની તપાસ હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મુન્દ્રા પોર્ટના મુન્દ્રા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટેનરોની શંકાના આધારે તપાસ હાથ ધરાઇ છે. ડીઆરઆઈ દ્વારા આ ત્રણ કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ સત્તાવાર રીતે કોઈપણ માહિતી હજી જાહેર કરાઇ નથી પરંતુ અફઘાનિસ્તાનથી આ કન્ટેનર આવ્યા હોવાથી આમાં પણ કદાચ હિરોઈનનો જથ્થો હોઈ શકે તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે ડ્રગ્સ ઝડપવા માટે 4 આંકડાના ટોલ ફ્રી નંબર માટે કેન્દ્રીય ગૃહમાં અરજી કરી
આરોપી દંપતીની ચેન્નાઈથી ધરપકડ કરી
DRIએ ગાંધીધામ ખાતે ગુનો દર્જ કરી આરોપી દંપતીની ચેન્નાઈથી ધરપકડ કરી હતી. 17મીના રોજ ચેન્નાઈ મેટ્રો કૉર્ટમાંથી દંપતીના ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી ભુજ લઈ આવી સ્થાનિક કૉર્ટમાં રજૂ કર્યાં હતા. બંનેને કૉર્ટે પાલારા જેલમાં જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં બાદ આજે DRIએ તેમના 14 દિવસના રીમાન્ડ મેળવવા અરજી કરી હતી. ગુનાની ગહન તપાસ અને અન્ય લોકોની સંડોવણી જાણવા માટે દંપતીના કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર હવાથી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ભુજની ખાસ NDPS કૉર્ટના જજ સી.એમ.પવારે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને દંપતીના 30મી તારીખ સુધી 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.