- કચ્છમાં ભૂજના જૂની રાવલવાડી વિસ્તારની પોસ્ટ ઓફિસમાં કૌભાંડ
- પોસ્ટ ઓફિસના કર્મચારી અને એજન્ટે મળીને રૂ. 8 કરોડનું કૌભાંડ કર્યું
- પોસ્ટ ઓફિસ આ કૌંભાડની તપાસ માટે સીબીઆઈની મદદ પણ લેશે
કચ્છઃ કચ્છમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું રૂ. 8 કરોડનું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. ભૂજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં બહાર આવેલા રૂ. 8.25 કરોડના કૌભાંડ મુદ્દે મુખ્ય સૂત્રધાર સચિન શંકરલાલ ઠક્કર અને તેની પત્ની (પોસ્ટ એજન્ટ) પ્રજ્ઞા પર ગાળિયો કસવા ગતિવિધિ તેજ બની છે. વધુમાં પતિ-પત્ની બંને અને તેના પરિવારજનોના નામે આવેલા બેન્ક ખાતા, લોકર, જમીનોની વિગતો મગાવાતા આ મિલકતો ટૂંક સમયમાં સીઝ કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ટપાલ વિભાગના ઈતિહાસમાં ગુજરાતમાં સૌથી મોટા ગણાતા રાવલવાડી પોસ્ટ ઓફિસના કૌભાંડની તપાસ માટે ટપાલ વિભાગે ગતિવિધિ તેજ કરી છે, જેમાં વહીવટી તંત્રે પણ ઝંપલાવ્યું છે.
મુખ્ય સૂત્રધારે સબ પોસ્ટ માસ્ટર પાસેથી આઈડી, પાસવર્ડ મેળવી રેકોર્ડ સાથે ચેડા કર્યા
પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પી. પરમારે આ અંગે જણાવ્યું હતું કે, પ્રજ્ઞા સચિન ઠક્કર ટપાલ વિભાગના એજન્ટ છે. જોકે, તમામ કામગીરી તેના પતિ અને કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સચિન શંકરલાલ ઠક્કર સંભાળતો હતો. દરેક સબ પોસ્ટ માસ્ટરને અલગથી આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હોય છે. માસ્ટર માઈન્ડ સચિને આ સબ પોસ્ટ માસ્ટરને કામમાં મદદ કરવાના બહાના હેઠળ આઈડી, પાસવર્ડ મેળવીને રેકોર્ડમાં ચેડા કરી કૌભાંડ આચર્યું છે.
આ અંગે સીબીઆઈ તપાસ કરવામાં આવશે
મુખ્ય સૂત્રધાર સચિનની એજન્ટ પત્ની મારફતે ટપાલ વિભાગમાં કુલ 673 ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ પૈકી 142 ખાતાઓની પાસબુક મળતી નથી. આ ખાતાઓની પાસબુક માટે મુખ્ય સુત્રધાર સચિન ઠક્કરને નોટિસ પાઠવવામાં આવી છે. તેમ છતા તેણે પાસબુક જમા કરાવી નથી. આ ઉપરાંત જમીન સહિત સ્થાવર, જંગમ મિલકતોની વિગતો માગવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે. નાણાકીય ગેરરીતિ મામલે ટપાલ વિભાગના કચ્છ-રાજકોટ રિજિયનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમારે સીબીઆઈ તપાસની વાત કરી હતી.
3 સબ પોસ્ટ માસ્ટરોની સંડોવણી ખૂલતા સસ્પેન્ડ કરાયા હતા
નવાઈની વાત તો એ છે કે, હજી સુધી નથી ફરિયાદ નોંધાઈ કે, મુખ્ય સૂત્રધાર પતિ-પત્ની સામે કોઈ પગલા ભરાયા, પરંતુ માત્રને માત્ર ટપાલ વિભાગના 3 કર્મી બલીનો બકરો બન્યા છે. ટપાલ વિભાગના અધિક્ષક પરમારે કહ્યું હતું કે, જો પાસબુક મળે તો ટપાલ વિભાગ અને પાસબુકના રેકોર્ડ પરથી સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. આથી સંબંધિત ખાતેદારોને પાસબુક પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા અપીલ કરાઈ છે. વધુમાં આવા ખાતેદારોને ટપાલ વિભાગે પણ નોટિસ પાઠવી છે અને જરૂર જણાય તેમના ઘરે જશે. અત્યાર સુધી ત્રણ સબ પોસ્ટ માસ્ટરોને સસ્પેન્ડ કરાયા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ પ્રકરણમાં હજી વધુ બે સબ પોસ્ટ માસ્ટરો પર સસ્પેન્ડની તલવાર લટકી રહી છે. જોકે, આ અંગે ટપાલ વિભાગના અધિક્ષકે કહ્યું હતું કે, 3 સબ પોસ્ટ માસ્ટરોની સંડોવણી ખૂલતા સસ્પેન્ડ કરાયા હતા.