ભૂજ: વૈશ્વિક માહામારી કોરોનાના ડર વચ્ચે કચ્છમાં સુર્યનારાયણે ચૈત્રી તાપ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભૂજમાં મહત્તમ પારો ઊંચકાઇને 40.5 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો.
હવામાન વિભાગપમાંથી મળેલી વિગતો મુજબ 40.5 ડિગ્રી મહત્તમ પારા સાથે ભૂજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક રહ્યું હતું. ભૂજમાં પ્રથમવાર પારો 40 ડિગ્રીને પાર થતાં અને બપોરના સમયે આભમાંથી વરસેલી લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
ભૂજ ઉપરાંત કંડલા પોર્ટમાં પણ પારો 40.1 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો જ્યારે નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
એકતરફ લોકડાઉનના લીધે લોકોની ચહલ-પહલ આમ પણ નહિવત્ જોવા મળી રહી છે. તેમાં પણ ગરમીએ પારો બતાવવાનું શરૂ કર્યુંં છે. જેથી કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે મહત્તમ પારો હજુ ઊંચકાય તેવી આગાહી કરી છે.