કચ્છ : પૂર્વ કચ્છમાંથી ફરી એક વાર માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. મેઘપર બોરિચીમાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રુપિયા 1.12 કરોડનું હેરોઇન અને અફીણનો રસ ઝડપી પાડ્યો છે. SOG એ આ ગુનામાં સંકળાયેલ દંપતીની ધરપકડ કરી છે, જ્યારે હજુ 1 આરોપી પકડવાનો બાકી છે. આરોપીઓ વિરૂધ્ધ NDPS એક્ટ, 1985 હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અંજાર પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
ડ્રગનો કારોબાર કરતા દંપતી : કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર અને વેપારની પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા SOG ટીમ કાર્યરત છે. જેમાં તેમને મળેલ બાતમી મળી હતી કે, અંજાર વિસ્તારમાં આવેલ પુરૂષોત્તનગર મકાન નંબર 13 મેઘપર (બો) ખાતે રહેતા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. જેમાં માદક પદાર્થ હેરોઈન, પીળા ક્રીમ કલરનો હેરોઈન તથા કાળો કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી અફીણનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરે છે.
પોલીસ કાર્યવાહી : બાતમીના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા દંપતીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. તપાસ કરતા તેની પાસેથી કુલ કિંમત રૂપિયા 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આરોપી દંપતી વિરુદ્ધ NDPS એક્ટ, 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે આ ગુનામાં હજી સંજય બિશ્નોઈ નામક શખ્સ પોલીસ પકડથી દૂર છે.
1.12 કરોડનો મુદ્દામાલ : ઝડપાયેલ આરોપીઓ પાસેથી SOG દ્વારા કિંમત રુ. 48 લાખથી વધુનો બ્રાઉન કલરના ગાંગડા સ્વરૂપમાં 97.960 ગ્રામ માદક પદાર્થ હેરોઈન, કિંમત રુ. 62 લાખથી વધુનો પીળા ક્રીમ કલરનો હેરોઈનનો 125.150 ગ્રામ જથ્થો તેમજ કાળો કથ્થાઈ કલરનો 53.09 ગ્રામ ઘટ પ્રવાહી કે જે અફીણનો રસ છે સહિત 60 હજાર કિંમતના 3 મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,12,20,809 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.