- https://eolakh.gujarat.gov.in પોર્ટલ પરથી જન્મ તથા મૃત્યુના પ્રમાણપત્રની અરજી કરી શકાય છે
- કોરોનાથી મોત થયેલ દર્દીનું મૃત્યુના પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરવામાં આવતું નથી
- વધુમાં વધુ એક અઠવાડિયાના અંતર સુધીમાં લોકોને મૃત્યુનું પ્રમાણપત્ર મળી જાય છે
કચ્છ- ગુજરાતમાં જન્મ અને મૃત્યુની નોંધણી જન્મ અને મૃત્યુ અધિનિયમ, 1969ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે અને તેને અનુરૂપ સંબંધિત નિયમો હેઠળ નોંધણી કરવામાં આવી રહી છે. ચીફ રજિસ્ટ્રાર (જન્મ અને મૃત્યુ) અને આરોગ્ય કમિશનર, ગુજરાત રાજ્યએ જન્મ અને મૃત્યુની નોંધણી માટે અને સિસ્ટમ દ્વારા નોંધાયેલા પ્રમાણપત્રો આપવા માટે "ઇ-ઓળખ" નામનું સોફ્ટવેર બનાવ્યું છે. આ સોફ્ટવેરનો અમલ કર્યા પછી, આરબીડી એક્ટ, 1969 ની કલમ 12/17 ની જોગવાઈઓ હેઠળ સોફ્ટવેર દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે.
કોરોનામાં કચ્છમાં કુલ 282 જેટલા મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા હતા
ભુજ નગરપાલિકા દ્વારા જાન્યુઆરીથી ઓગસ્ટ 2021સુધીમાં ભુજ નગરપાલિકામાં 3678 જેટલા લોકોને મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે, જ્યારે 5578 જેટલા લોકોને જન્મના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. ઉપરાંત નોંધનીય છે કે, કોરોના કાળમાં કચ્છ જિલ્લામાં કુલ 282 જેટલા મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા હતા.
પોર્ટલ પર અમુક સમયે વધારે લોડ હોય ત્યારે સર્વર ડાઉન થાય છે
આ ઉપરાંત આ ઓનલાઈન પોર્ટલમાં કોઈ પણ જાતની ક્રેશ કે હેંગની ઘટના બની નથી, પરંતુ ક્યારેક વધારે લોડ હોય ત્યારે સર્વર ડાઉન થઈ જતું હોય છે, પરંતુ માત્ર 10-15 મિનિટમાં પ્રક્રિયા પાછી શરૂ થઈ જાય છે.
ઈ-ઓળખ નામના સોફ્ટવેર મારફતે ઓનલાઇન નોંધણી કરાય છે
ભુજ નગરપાલિકામાં જન્મ-મરણના સર્ટિફિકેટની નોંધણી આરોગ્ય કમિશનરના હુકમ મુજબ ઓનલાઇન કરવામાં આવે છે. ઈ-ઓળખ નામના સોફ્ટવેર મારફતે ઓનલાઇન નોંધણી કરવામાં આવે છે. અમુક હોસ્પિટલ દ્વારા જ્યારે ઓનલાઇન મૃત્યુ સર્ટિફિકેટ માટે અરજી કરવામાં આવે છે, ત્યારે રીમાર્કમાં મૃત્યુના કારણમાં કોરોના લખેલું હોય છે, પરંતુ અહીંયાથી એડિટ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી.