કચ્છ- જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પૂર્વ કચ્છમાં દારૂની કાર્યવાહી કરી છે. અવાર નવાર SMC દરોડા પાડે છે. જેથી સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે જાહેર કરેલી વિગતો મુજબ ભચાઉ તાલુકામાં લોધેશ્વર પાંજરાપોળની પાછળ મામા પીરની ડેરી પાસે ખુલ્લી જગ્યામાં શરાબનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરીને 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. (smc raids in kutch 4 accused arrested))
ચાર આરોપીઓ ઝડપાઇ ગયા- દારૂની બોટલ ભરેલી પેટીઓને વાહનમાંથી ઉતારી અન્ય વાહનમાં શિફ્ટ કરી રહેલા ચાર આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે માલ મંગાવનાર સહિત ત્રણ આરોપી હાજર ના મળતા તેમના વિરુદ્ધ પણ આઈપીસી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ સુરૂભા સોઢા અને હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યા હતા.
4,36,980નો મુદ્દામાલ કબ્જે- આરોપીઓ ટેમ્પોમાં દારૂ ભરીને આવ્યા હતા, જેનું કટીંગ કરવામાં આવતું હતું. કટીંગ માટે અહીં ટોયટા ઈનોવા અન્ય એક કાર તેમજ 4 ટુ વ્હીલરમાં આરોપીઓ આવ્યા હતા. રાતના સમયે અંધારામાં માલની હેરફેર કરવામાં આવતી હતી, ત્યારે જ થયેલી કાર્યવાહીમાં દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો અને ટીન મળી કુલ રૂપિયા 4,36,980નો મુદ્દામાલ (liquor worth rs 4,36,980) કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે 13.80 લાખના વાહનો, 26,000ના 7 મોબાઈલ અને 11,500 રોકડા મળી કુલ રૂપિયા 18,54,480નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ગુનો દાખલ- પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, આ માલ ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજાએ મંગાવ્યો હતો. જે મુખ્ય આરોપી છે. આ સાથે ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા તેમજ બે બાઈક પર આવેલા ચાલક શખ્સો હાજર ન મળી આવતા ગુનો દાખલ કરાયો હતો. આ કાર્યવાહીમાં 4 આરોપીઓ પકડાયા હતા, જયારે 4 મળી આવ્યા ન હતા. SMCના પીઆઈ જી.જે.રાવતની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.