કચ્છ: કચ્છમાં સારા વરસાદને પગલે એક તરફ જ્યાં દુધ ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે તેવામાં બીજી તરફ ડેરી ઉત્પાદનોના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમુલ ફેડરેશન સાથે સંકળાયેલી કચ્છની સરહદ ડેરીમાં 4 લાખ લીટર દુધની આવક સામે ઉત્પાદનમાં 25 ટકા ઘટાડો થયો હોવાની વિગતો જાણવા મળી છે.
ભૂજના લાખૌંદ ગામ નજીક આવેલી સરહદ ડેરીના અમુલ ઉત્પાદનના પ્લાન્ટમાં હાલ આઠ પ્રકારના દુધ, છાશ, રબડી, ઘી, પનીર સહિતની બનાવટોનું ઉત્પાદન અને પેકિંગ થઇ રહ્યુ છે. પ્લાન્ટ મેનેજર નિલેશ જાલમકરે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે હાલ કચ્છમાં રોજનું 4 લાખ લીટર જેટલું દુધ એકત્ર થાય છે. જેમાંથી આ પ્રોડક્ટસ બનાવાય છે. લોકડાઉન દરમિયાન આ બનાવટોની માગ ખુબ ઓછી રહી હતી જેથી તેનું 25 થી 30 ટકા વેચાણ ઘટી ગયું હતું. હાલ કચ્છના પશુપાલકો અને ડેરીના સભ્યોના વિકાસ માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે.
અમુલ ફેડરેશનના ઉપપ્રમુખ, સરહદ ડેરીના ચેરમેન અને કચ્છના કુરિયનના નામથી ઓળખતા વલમજી હુંબલે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં લોકડાઉનને પગલે દુધની આવક વધી ગઈ હતી પરંતુ સામે ઉત્પાદનનું વેચાણ ખુબ ઘટી ગયુ હતું. રોજિંદા વપરાશ ઉપરાંત વિવિધ કાર્યક્રમો, લગ્નપ્રસંગો સહિતના ઉજવણી અને આયોજન બંધ રહેતા આ પેદાશોના વપરાશને મોટી અસર પહોંચી હતી. હવે અનલોક સાથે પરિસ્થિતી સુધરી રહી છે.
લગ્નપ્રસંગો, વિવિધ સમારોહ, ધાર્મિક-રાજકીય સહિતના આયોજનમાં જે માવાનો ઉપયોગ થાય છે તે બજારમાંથી સીધું જ પહોંચે છે પણ કોરોના કાળમાં આ દુધના માવાની બનાવટ બંધ રહી હતી. મીઠાઈની દુકાનો પણ બંધ હતી જેથી આ માવો ડેરી સુધી પહોચાડવામાં આવતો હતો. આ રીતે દૈનિક 50 હજાર લીટર દુધ ડેરી સુધી આવતુ થયું હતું. તેમ છતાં અમુલ સંગઠને તે વેચાણ લીધુ હતું.
અમુલ પ્લાન્ટમાં 8 જાતના દુધના પેકિંગ સાથે રબડી, છાસ, દહીં, ઘી સહિતની ચીજવસ્તુઓનું પેકિંગ કરવામાં આવે છે. આ તમામ માલ ઉત્પાદનમાં 25થી 30 ટકાનો ઘટાડો કરવો પડયો હતો. દુધની આવક સામે ઉત્પાદન-વેચાણ ઘટી જતા ડેરીને નુકસાન સહન કરવું પડયું હતુ અને ઉત્પાદન ડિલીવરી વખતે પણ અનેક મુશ્કેલીઓ ઉભી થઇ હતી તેમ છતાં ડેરીએ દુધની આવક ચાલુ રાખી હતી. અનલોક 4ને પગલે હવે આ ઉત્પાદનોની માગ ફરી શરૂ થતા વેચાણની પરિસ્થિતીમાં પણ સુધારો આવે અને ડેરીનું ઉત્પાદન રાબેતા મુજબ ધમધમતું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
- કચ્છથી રાકેશ કોટવાલનો વિશેષ અહેવાલ, ઇટીવી ભારત.