કચ્છ: અરબી સમુદ્રમાં લો પ્રેસરને પગલે કચ્છના કાંઠાળાં વિસ્તારમાં તકેદારીના આદેશ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની સૂચના અને આગાહીને પગલે કચ્છના બંદરો પર ત્રણ નંબરની તકેદારી માટેનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
વિગતો મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસર હવે ઉતર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે દક્ષિણ સૌરાષ્ટ્ર અને નોર્થ મહારાષ્ટ્રમાં તેની અસર પડી શકે છે. આ ઉપરાંત કચ્છના કાંઠાળાં વિસ્તારમાં તેની આછેરી અસરની સંભાવના છે. જેને પગલે કાંઠાળા વિસ્તારમાં તકેદારીનું સુચન કરવામાં આવ્યું છે.
- આ પણ વાંચો : કચ્છના મુંદ્રામાં પ્રસ્તાવિત ઈન્ટરનેશનલ એરપોર્ટની કાચબા ગતિએ પ્રગતિ, જુઓ વિશેષ અહેવાલ..
દિનદયાલ કંડલા પોર્ટના વેધશાળાના સુત્રોએ જણાવ્યુ હતું કે, હાલ કંડલા મહાબંદરગાહ ખાતે તકેદારી માટેનું ત્રણ નંબરનું સિગ્લન લગાવાયું છે. આગામી 24થી 36 કલાક સુધી વરસાદની શકયતા છે. આ સાથે ભારે પવનની સંભાવના છે. આ વચ્ચે કચ્છમાં વાતાવરણ પલટાયું છે, અને ભચાઉમાં પણ 9 મી.મી વરસાદ નોંધાયો હતો. જયારે અંજાર પંથકમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે.
આ દરમિયાન કચ્છના તંત્રે હવામાન વિભાગની સુચના અને રાજય સરકારના આદેશ મુજબ જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લા પુરવઠા વિભાગ અને જિલ્લા ખેતીવાડી વિભાગને APMC સહિત ખેડૂત ઉત્પાદનને પરીવહન અને સંગ્રહમાં કોઈ નુકસાન ન થાય તેવી સુચના આપ્યાનું જાણવા મળી રહ્યું છે.