અમદાવાદમાં સ્કુલવાનમાં બનેલી અકસ્માતની ઘટના પછી ભુજમાં પણ આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને આરટીઓની સંયુક્ત ટીમે શહેરના જાહેર રસ્તા અને સ્કૂલ નજીક તથા ખાનગી સ્કૂલની બસોમાં સુરક્ષા મુદ્દે ચકાસણી હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સ્કૂલના બસ સંચાલકો અને શાળાને મેમો આપી દંડ પણ વસુલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે અને જે સ્કૂલ બસમાં નિયમનો ઉલ્લંઘન હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. આજે સ્કૂલ બસમાં આરટીઓ અધિકારી દ્વારા બસના ડોક્યુમેન્ટ ફાયર સેફટી તેમજ બસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને જાળીઓ, મેડિકલ કીટ અંગેની સ્કુલ બસોમાં તપાસ કરવામાં આવી હતી.
ઘટનાને લઇને કચ્છમાં 104 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 50 જેટલા સ્કૂલ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે 3.64 લાખ દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. આરટીઓ વિભાગ વાહન ચેકિંગ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે અને નિયમોનું પાલન નહીં કરનાર સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે.