કચ્છ: ગત 17 ઓક્ટોબરના આદિપુરના ફાઈનાન્સર અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય ભુજ બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદ નોંધાયેલ હતી. અનંત તન્નાએ આરોપીઓઓ પૂર્વ આયોજીત પ્લાનિંગ કરીને પોતાને હની ટ્રેપ કરી, અંગત પળોની વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી દસ કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચે 19 ગુનાના આરોપી જેન્તી ઠક્કર અને તેના ભાણેજ કુશલ ઠક્કરની 5 મી જાન્યુઆરી ના રોજ અમદાવાદ-ગાંધીનગર નજીક અદાણી શાંતિગ્રામ ટાઉનશીપના ફ્લેટમાંથી ધરપકડ કરી હતી.
5 લોકોની ધરપકડ: પોલીસના જણાવ્યા અનુસાર હનીટ્રેપના મુખ્ય આરોપીઓ રમેશ જોશી, રમેશના નાના ભાઈ શંભુ જોષી, જેન્તી ઠક્કર, કુશલ ઠકકર, ભુજના બિલ્ડર વિનય રેલોન વગેરે સહિત આઠ આરોપીઓ સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અંજારના મનીષ મહેતા, ભચાઉના એડવોકેટ હરેશ કાંઠેચા અને શંભુ જોશીની ધરપકડ કરવાની બાકી છે.આ કેસમાં સેશન્સ કૉર્ટ દ્વારા બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
"અગાઉ આ કેસમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંબઇથી બોલાવાયેલા કેસના મહત્ત્વના આરોપી કચ્છ લડાયક મંચના સ્થાપક અધ્યક્ષ રમેશ જોશીની પૂછતાછ સાથે તેમનું નિવેદન પણ લેવાનું શરૂ કરાયું હતું. પૂછપરછ દરમિયાન તેની તબિયત લથડતાં આરોપીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.ત્યાર બાદ તબિયત સુધરતાં ચાલુ માસના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત હાઈકૉર્ટે ટીપ્પણીઓ સાથે રમેશ જોશીની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં આજે સવારે 10 વાગ્યે રમેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી." -સૌરભ સિંઘ, એસપી, પશ્ચિમ કચ્છ
લાલચ આપવાનો પ્રયત્ન: મુખ્ય આરોપી રમેશ જોશીની મુંબઈમાં મેડિકલ તપાસ બાદ ડોકટરે પોલીસને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે મંજૂરી આપ્યાં બાદ તેની આજે ધરપકડ કરી છે. ગુનામાં રમેશ જોશી અને જેન્તી ઠક્કરની ભૂમિકા મુખ્ય છે. બંને મુખ્ય આરોપીઓ હનીટ્રેપ કેસમાં પતાવટ માટે આ ફરિયાદી અનંત તન્નાને રૂબરૂ મળવા માટે દબાણ કરતાં હતાં. હજુ પણ અન્ય 3 આરોપીઓ પૈકી શંભુ જોશીએ હાઈકૉર્ટમાં કરેલી આગોતરા સંદર્ભે હાઈકૉર્ટે આગામી 29મી મે સુધી તેને ધરપકડમાંથી રાહત આપી છે જેથી પોલીસે હજી સુધી તેની ધરપકડ કરી નથી.
અન્ય આરોપીઓને પકડવા પ્રયાસો: વધુમાં સૌરભસિંઘે જણાવ્યું હતું કે, "આ કેસમાં સામેલ અન્ય આરોપી શંભુ જોશી જે મુખ્ય આરોપી રમેશ જોશીનો ભાઈ છે તેમજ અન્ય આરોપીઓ મનીષ મહેતા અને ભચાઉનો એડવોકેટ હરેશ કાંઠેચાને પકડવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વકીલ હરેશ કાંઠેચા સામે કલમ 81/82 હેઠળ કોર્ટ પાસેથી વોરન્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.આ કેસમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે."