શનિવારે પડેલાં ભારે વરસાદના કારણે ભચાઉ તાલુકાના ધરાણા ગામનું તળાવ ફાટ્યું હતું, અને વ્યાપક પાણી વોંધ નજીક રેલવે ટ્રેક ઉપર ફરી વળ્યાં હતાં. જેના કારણે શનિવાર રોજ કચ્છના વિવિધ શહેરો સાથેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. કંડલા અને મુન્દ્રા બંદરેથી પ્રતિદિન 38 જેટલી માલગાડી અને કન્ટેનર ટ્રેનોનું લોડિંગ ગાંધીધામથી થાય છે. જેની પ્રતિદિનની આવક અંદાજે 12 કરોડની આસપાસ છે. ભારે વરસાદના કારણે સામખિયાળી, ભીલડી, પાલનપુર અને અમદાવાદ વચ્ચે કોઈ જોડાણ ન રહેતાં રવિવારે માલપરિવહન ઠપ્પ રહ્યું હતું. ત્યારે ગેયાલ રેલવે ટ્રેકનું 600થી વધુ શ્રમિકો દ્વારા મરામત થતાં ફરીથી રેલવે સેવાઓ શરૂ કરાઈ છે.
એક તરફ તળાવ ફાટતાં રેલવે વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ છલકાયેલાં તળાવે એક પરિવારના કૂળનો ભોગ લીધો છે. લખપત તાલુકાના દોલતપર ગામના લોકો તળાવનું પૂજન કરવા ગયા હતાં. ત્યારે સાલેમામદ નામના યુવાનનું તળાવમાં ડુબી જવાથી મોત થયું હતું. તો અન્ય કિસ્સાઓમાં જખૌના આશિરાવાંઢમાં 12 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો હતો. તો બીજી ઘટનામાં સવારે ઢોર ચરાવવા ગયેલાં ચરાવવા અયુબ હસણનું તળાવમાં નાહવા પડતાં મોત થયું હતું. તો ઉકીરમાં નદીના વહેણમાં ડૂબવાથી 58 વર્ષના હમીર રબારી નામના આધેડનું મોત નીપજ્યું હતું.
આમ, કચ્છમાં અલગ-અલગ જગ્યાએ વરસાદી પાણીથી છલકાયેલાં તળાવો જીવલેણ સાબિત થઈ રહ્યાં છે. ત્યારે તંત્ર ગોકળગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.