સમગ્ર ઘટનાક્રમની વિગતો મુજબ ભુજ-દાદર એક્સપ્રેસ ગાંધીધામ ખાતે સ્ટોપ કર્યા પછી ભચાઉ તરફ પ્રસ્થાન કર્યું હતું. ટ્રેન ઉપડતાની સાથે જ રેલવે સ્ટેનશન પર આરોપી અનુજ કુશ્વાહ ટ્રેન પકડવા રેકની છેલ્લા ગાર્ડના ડબ્બાની પાછળ પાછળ દોડી રહ્યો હતો. ગૌતમે તેને પોતાના ડબ્બામાં ચઢવા દીધો હતો. પરંતુ અનુજ ટ્રેનમાં વગર ટીકીટે મફત મુસાફરી કરી રહ્યો હતો. ગાર્ડે જ્યારે તેને ટીકી બાબતે પૂછ્યું ત્યારે ટિકિટ ના લીધી હોવાનું જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ટ્રેનગાર્ડ એસ.પી.ગૌતમે ટિકિટ ના લીધી હોવા મુદ્દે અનુજને ઠપકો આપતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો. જે બાદ તેણે એસ.પી.ગૌતમ પર લાકડાનું પાટીયાથી હુમલો કરીને ચાલતી ટ્રેનેમાંથી ધક્કો મારી દીધો હતો જે બાદ આરોપી ડબ્બાનો દરવાજો અને બારી બંધ કરી બેસી ગયો હતો.
આ દરમિયાન ભચાઉ તરફ પુરપાટ દોડી રહેલી ટ્રેનના ડ્રાઈવરને સિગ્નલ ક્લિયર હોવાનો ગાર્ડનો મેસેજ આવતો બંધ થઈ ગયો હતો. વૉકીટૉકી પર કોઈ જવાબ ન મળતા ડ્રાઈવરે બે સિગ્નલ પસાર કર્યાં બાદ આ અંગે ભચાઉ રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. જેથી ભચાઉ સ્ટેશન માસ્તરે ટ્રેનના ટીકીટ ચેકરને ગાર્ડ રૂમમાં જઈ તપાસ કરવા જણાવ્યું હતું. TTએ જઈને ચેક કરતાં ડબ્બો અંદરથી બંધ હતો. ટીટીએ આરપીએફની મદદથી દરવાજો ખોલાવવા પ્રયાસ કર્યો ત્યારે હત્યારો બારી વાટે બહાર નીકળી ડબ્બાની ઉપર ચઢી ગયો હતો. આ સમયે અરવિંદ વાણીયા નામના આર.પી.એફ જવાને તેને પકડવા પ્રયાસ કરતાં તેણે અરવિંદને પણ લાત મારી ફંગોળી દીધો હતો. ઉભેલી ટ્રેનમાં પાછલા ડબ્બામાં મચેલી ધમાચકડીના પગલે પેસેન્જરોનું ટોળું એકત્ર થઈ જતાં ટોળાએ હત્યારાને ડબ્બા પરથી નીચે ઉતારી બરાબરનો ફટકાર્યો હતો. તેની કબુલાતના આધારે તપાસ કરાતાં એસ.પી.ગૌતમનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસ અને સમગ્ર ધમાચકડીના કારણે ટ્રેન બેથી અઢી કલાક સુધી ભચાઉ રેલવે સ્ટેશન પર રોકી રખાઈ હતી. આરોપી અનુજ વિરુધ્ધ ટીટી દ્વારા ગાંધીધામ રેલવે પોલીસ મથકે મર્ડર સહિતની કલમ તળે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આરોપી અનુજ મૂળ MPનો વતની હોવાનું અને ગાંધીધામમાં લાકડાના બેન્સામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.