કચ્છમાં જન અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ જનરલ નર્સિંગ હેલ્થ કેર અંગે તાલીમપ્રાપ્ત 50માંથી 20 બહેનોને પ્રમાણપત્ર મળે એ પહેલા જ નર્સિંગ હેલ્થ કેરમાં નિમણુક મળી ગઈ છે. અને બાકી રહેતા તાલીમાર્થીઓની નિયુક્તિ માટે તજવીજ શરુ કરવામાં આવતા તાલીમાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે. મેડિકલ કોલેજના કક્ષમાં અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા આયોજિત 3 મહિનાની નર્સિંગ કોર્ષ (GDA) અને બ્યુટી પાર્લર સહિતની કુલ 110 બહેનોને સર્ટિફીકેટ વિતરણ સમારંભમાં આ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષણાધિકારી ડો. બી.એન.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમના સથવારે અત્યાર સુધીનાં તાલીમાર્થીઓની સાફલ્યગાથા પ્રસ્તુત કરતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડો. પ્રજાપતિએ કહ્યું કે,’આજે કોઈપણ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા વર્ગની સમાજને જરૂર છે. કૌશલ્યપ્રાપ્ત વ્યક્તિ ક્યારે બેકાર નહી રહે.’
સમાજકલ્યાણ વિભાગના નાયબ નિયામક વી.આર. રોહિતે યુવાનોને સંદેશો આપતા કહ્યું કે, ‘ડીગ્રી ભલે બે હાથે મેળવો પણ કૌશલ્યવર્ધનથી એક હાથ સલામત રાખજો. તો તમે સમાજ માટે ક્યારેય બોજારૂપ નહિ બનો.’ આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનનાં યુનિટ હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે, ‘જેમની પાસે કૌશલ્ય હશે તેમને કામ જાતે શોધતું આવશે’
પ્રારંભમાં ભુજ સ્થિત અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનાં હેડ સાગર કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અનુસુચિત જાતિની તથા વિધવા બહેનો સહિતને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી હતી. રોજગારી પ્રાપ્ત તાલીમાર્થીઓએ પ્રતિભાવ આપ્યા હતા. કેન્દ્રના નિરવ લેઉવાએ સંચાલન કર્યું હતું. એ ગ્રેડ પ્રાપ્ત તાલીમાર્થીઓને કિટ આપવામાં આવી હતી. કેન્દ્રના તાલીમ સંચાલક પૂર્વી ગોસ્વામીએ આભારદર્શન કર્યું હતું.