- પિતાએ પોતાના 9 વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારીને જમીનમાં દફનાવી દીધો
- શંકાસ્પદ મોત અંગે પરિવારજને પોલીસ સમક્ષ શંકા રજૂ કરતા તપાસ કરાઈ
- પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
કચ્છ: મૂળ નેપાળના વતની અને હાલ મુન્દ્રાના બારોઈ ખાતે રહેતા હરીશ કામી નામના યુવાને આર્થિક ખેંચતાણના લીધે કંટાળીને સતત બિમાર રહેતા પોતાના દિવ્યાંગ પુત્ર દિનેશ કામી(ઉં.વ.9)ની હત્યા કરીને મૃતદેહને જંગલ વિસ્તારમાં દફનાવી દીધો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા દફનાવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
પુત્રનું કુદરતી મોત થયું હોવાનું જણાવીને મૃતદેહ દફનાવવામાં મદદ લીધી
આરોપીએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે એકલો મૃતદેહને સગેવગે કરી શકે તેમ ન હોવાથી પોતાના બાળકનું કુદરતી મોત થયું હોવાનું જણાવીને નજીકમાં જ રહેતા પોતાના વતનના 8થી 10 યુવાનોને ભેગા કર્યા હતા અને મૃતક પુત્ર દિનેશને નાના કપાયાના જંગલ વિસ્તારમાં દફનાવી દીધો હતો.
હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
સમગ્ર ઘટનાની જાણ થતાં મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચો તેમજ આરોપી પિતાની હાજરીમાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું જાણવા મળતા પોલીસે પિતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કચ્છમાં પિતાએ પોતાના 9 વર્ષીય દિવ્યાંગ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો