કચ્છ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 73મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રીતે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જુદી જુદી જગ્યાએ ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. કચ્છમાં પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી જુદાં જુદાં કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. જેમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે 73 કિલોની કેક કટ કરવામાં આવશે. સાથે જ અન્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
"બી લાઈક મોદી" કાર્યક્રમ : આ અંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની રુચિ અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે રિજનલ સાયન્સ સેન્ટર ભુજનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 28 ઓગસ્ટના કરવામાં આવ્યું હતું. તેમના 73 માં જન્મદિવસની ઉજવણી બાળકો અને સામાન્ય જનતાની મહત્તમ ભાગીદારી સાથે થાય તે હેતુથી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ખાતે "બી લાઈક મોદી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકશે.
સેવાકીય કાર્યક્રમનું આયોજન : વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને એની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સેવાકીય અનેક કાર્યક્રમો પણ યોજાશે. કચ્છની અંદર ભવ્ય પ્રધાનમંત્રી લાભાર્થી મેળો એટલે કે સંમેલન રાખવામાં આવ્યું છે. અનેક લાભાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળે તે અંતર્ગત એક કાર્યક્રમ ડો. બાબાસાહેબ આંબેડકર હોલની અંદર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ અને અંધજન મંડળમાં દિવ્યાંગો સાથે પણ ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બાળકો અને સામાન્ય જનતાની મહત્તમ ભાગીદારી સાથે થાય તે હેતુથી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ખાતે "બી લાઈક મોદી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકશે. -- વિનોદ ચાવડા (સાંસદ, કચ્છ)
પ્રોત્સાહિત સ્પર્ધા : આ કાર્યક્રમમાં 5 જુદી જુદી વય કેટેગરીમાં પેપર રોકેટ મેકિંગ, ચિત્ર તેમજ નિબંધ લેખન, નાટ્ય, વકૃત્વ સ્પર્ધા, રંગોળી, આરતી થાળી ડેકોરેશન વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્પર્ધામાં વયજૂથની કેટેગરી પ્રમાણે પ્રથમ ત્રણ વિજેતાને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત ભાગ લેનાર તમામને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
73 કિલોની કેક : રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જુદી જુદી સ્પર્ધાના આયોજન બાદ સાંજે 5 થી 6 દરમિયાન મેજિક શો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર અને સંઘર્ષ પર ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. ત્યારબાદ કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને અન્ય ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં 73 કિલોની કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.