કચ્છઃ 8મી એપ્રિલના રોજ હનુમાનજીની જન્મ જયંતીએ સુપર મુન (વિરાટ ચન્દ્ર)ની ઘટના બનવાની છે. 2020ના વર્ષમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે. જે બાબતે લોકોમાં કેટલીક શંકા, ઉત્કંઠા તથા જીજ્ઞાસા, પ્રસ્તુત લેખ તમારા પ્રશ્નો અને તેના જવાબ મળી રહેશે. સ્ટાર ગેઝીંગ ઇન્ડિયા અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોરની આ વિશેષ માહિતી સાથેના લેખ અહી રજૂ કરાયો છે.
ચંદ્ર પૃથ્વીની આસપાસ દિર્ઘ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. આથી ચંદ્ર અને પૃથી વચ્ચેનું અંતર હમેશાં એક સરખું રહેતું નથી. ચંદ્ર પૃથ્વીની નજીક આવે તેને ખગોળની ભાષામાં પેરિજી (નીચ બિંદુ) કહેવાય છે અને જ્યારે તે સૌથી દૂરના બિંદુએ હોય ત્યારે તેને એપિજી (ઉચ્ચ બિંદુ) કહેવામાં આવે છે.
ચંદ્ર 27.3 દિવસમાં પૃથ્વીની પરિક્રમાં પૂરી કરતો હોઈ છે. દર માસે એક વખત પૃથ્વીની નજીક અને દૂર આવતો હોય છે. જ્યારે કોઈ પદાર્થ આપણી આંખની નજીકના અંતરે હોય, ત્યારે તેનું કદ મોટું જણાય છે અને જો તે દૂર હોય તો તેનું કદ નાનું દેખય છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય તે દિવસે જો પૂનમ હોય તો અન્ય પૂનમના દિવસોએ દેખાતા ચંદ્ર કરતાં તેનું કદ મોટું દેખાય છે. આ ઘટનાને સુપર મુનની ઘટના કહેવાય છે.
અન્ય કોઈ દિવસોએ ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે પણ તેનું કદ મોટું દેખાય પરંતુ તે વખતે આપણું ધ્યાન જતું નથી. ચંદ્રનું કદ કેટલું મોટું દેખાશે તેનો આધાર ચંદ્ર પૃથ્વીથી કેટલો નજીક આવ્યો છે. તેના પર રહેલો છે.
સુપર મુનની ઘટનાને નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય તેના ઉદય અને અસ્તની આસપાસનો સમય છે. પૃથ્વી પરના પદાર્થો જેવા કે ઝાડ, ડુંગર, મકાનો, નદી, સમુદ્રની પૃષ્ઠભૂમિમાં ચંદ્રને નિહાળવોએ લ્હાવો હોય છે. એટલે 8 એપ્રીલની સાંજે સુર્યાસ્ત બાદનો સમય ચંદ્ર નિરિક્ષણ માટે ઉપયુક્ત સમય ગણી શકાય.
સુપર મુનની ઘટના સાથે એક બીજી રસપ્રદ બાબતનો અનુભવ પણ લેવા જેવો છે. દૃષ્ટિભ્રમને કારણે ઉદય થતા કે, અસ્ત થતા સુર્ય ચંદ્ર આપણને તે હોય છે એના કરતાં મોટા કદના દેખાય છે. સુપર મુન વખતે ચંદ્રનું કદ તો મોટું હશે જ તેની સાથે દૃષ્ટિભ્રમ મળતાં તે ઓર મોટો દેખાશે!!! નરી આંખે સુપર મુનને નિહાળવાથી આંખને કોઈ નુકશાન થતું નથી.
સામાન્ય રીતે પૂનમ-અમાસના આવતી મોટી ભરતી કરતાં તેનું પ્રમાણ સાધારણ વધારે હશે. આ સિવાય બીજી કોઈ અસર કે, નુકશાન સુપરમુનના કારણે થતું નથી. આગાહીકારોની ભયજનક આગાહી કે કોઈ વ્યક્તિ વિશેષ માટે કરવામાં આવતા વરતારા પર ધ્યાન આપ્યા વગર ખગોળીય ઘટનાનો આનંદ લેવો જોઈએ.
આ ઘટના સામાન્ય જનો માટે કુતુહલનો વિષય છે. જ્યારે ખગોળ રસિકો માટે ચંદ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ટેલિસ્કોપ પર મુન ફિલ્ટર લગાવી ચંદ્રના ખાડા (ક્રેટર), પહાડો, મારિયાનું અવલોકન સારી રીતે કરી શકાય છે. તો એસ્ટ્રો ફોટોગ્રાફીના શોખીનો માટે પણ સુંદર દ્રશ્યો કચકડે કંડારવાની સુવર્ણ તક ગણી શકાય.