કચ્છ: કોરોનાના 6 દર્દીઓ પૈકી 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમાંથી તમામે તમામ કોઈ જ લક્ષણ ધરાવતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે લખપત તાલુકાના વિદેશયાત્રા કરનારા 62 વર્ષિય વૃદ્ધ અબ્દ્રેમાન રાયમા પોતાના ખેતરમાં પાણી વાળી રહયા હતા ત્યારે તેમને કોરોના પોઝિટિવ હોવાની જાણ કરાઈ હતી. વિદેશ યાત્રાના એક મહિના બાદ અને હોમ કવોરન્ટાઈનના 14 દિવસ પુરા કરી લીધા પછી કેટલાય દિવસો બાદ તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ રીતે જ કચ્છના જે હાલ પોઝિટિવ કેસ છે તેની પેર્ટન અલગ જ હોવાનું જણાઈ રહયું છે. જો કે, તંત્રે સ્પષ્ટ કર્યું છે કે દર્દીઓને પહેલાથી જ કવોરન્ટાઈન કરાયેલા દર્દીઓથી સંક્રમણની શકયતા ખૂબ ઘટી ગઈ છે.
મળતી વિગતો મુજબ કોટડા મઢના 62 વર્ષિય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે વૃદ્ધ સાઉદી અરેબીયા ઉમરાહ બાદ ભારત આવ્યા હતા. કચ્છના આશલડીના મહિલા જે પ્રથમ પોઝિટિવ કેસ છે, તેમના સહિત 45 લોકો ઉમરાહમાં જોડાયા હતા. આશલડીના મહિલાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ ગઈકાલે પોઝિટિવ જાહેર થયેલા વૃદ્ધ સહિત અનેક લોકોને સરકારી કવોરન્ટાઈન કરી દેવાયા હતા. તંત્રએ રેન્ડમલી સેમ્પલ લેવાનું શરૂ કર્યુ, ત્યારે તેમાં આ વૃદ્ધનો સેમ્પલ લેવાયો હતો. સરકારી કવોરન્ટાઈન સમય પુરો કરી લીધા પછી પોતાના ખેતરમાં જ રહેતા આ વૃદ્ધને કોઈ જ લક્ષણ નથી અને તેઓ ખેતરમાં પાણી વાળી રહયા હતા ત્યારે તેમને પોઝિટિવ હોવાની જાણ થઈ હતી.
બીજી તરફ પ્રથમ મહિલા પોઝિટિવ કેસમાં પણ આ જ થિયરી જોવા મળી રહી છે. તેમને પણ કોઈ જ લક્ષણ નથી જયારે પોઝિટિવ કેસ બાદ સારવાર બાદ તેમને એક રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પણ તે પછી ફરી રિપોર્ટ પોઝિટિવ આવી રહયા છે.
આ જ રીતે 5 એપ્રિલે માધાપરના વૃદ્ધને કોરોના પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયા પછી, ખાનગી તબીબનો ક્મ્પાઉન્ડર જેમનો 14 દિવસનો કવોરન્ટાઈન સમય ગઈકાલ જ પૂર્ણ થવા પર હતો, તેને પણ કોઈ જ લક્ષણ વગર કોરોના પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયું છે.
જયારે માધાપરના મૃત્યુ પામેલા વૃદ્ધના પત્ની અને પુત્રવધુને પણ કોઈ જ લક્ષણ નથી. આમ સ્વસ્થ જણાતા પાંચેય દર્દીઓ હાલ પોઝિટિવ છે અને સારવાર હેઠળ છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, એક મહિના પછી સેમ્પલમાં દર્દીને પોઝિટિવ જણાયું છે. તો ભૂજના યુવાનને પણ કવોરન્ટાઈન સમયગાળો પૂર્ણ થયા પછી પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયું છે.
બન્ને દર્દીઓને પહેલાથી જ કવોરન્ટાઈન કરાયેલા હોવાથી સંક્રમણ થવાની શકયતા ઓછી છે. તેમ છતાં વધુ 27 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 8 નેગેટીવ જણાયા છે, જયારે 15ના રિપોર્ટ આવવાના બાકી છે.