કચ્છ: બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં વીજ પોલને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. માંડવીના ટોપણસર તળાવ વચ્ચે આવેલા વીજ પોલના વાયરિંગમાં નુકસાની થઈ હોવાથી તેની મરમ્મત કરવી જરૂરી હતી. જોકે, તળાવમાં પાણી ભરેલું હોવાથી ત્યાં પગપાળા પહોંચી શકાય એવી સ્થિતિ નહોતી.
વીજ પોલ ઠીક કરાયા: આ પડકાર પરિસ્થિતિમાં એનડીઆરએફ, આર્મીની મદદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હતી. એનડીઆરએફ અને આર્મીની મદદથી વીજ કર્મચારીઓના તળાવની વચ્ચેના વીજપોલ સુધી પહોંચી શક્યા હતા. જે બાદ વીજ કર્મચારીઓએ વીજ પોલની મરમ્મત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વીજ લાઈનમાં ફોલ્ટ શોધીને તેનું નિવારણ લાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર જિલ્લામાં પૂરજોશથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
80,000થી પણ વધુ વીજ પોલ ધરાશાયી: ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં 80,000થી પણ વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા. જિલ્લામાં ઠેર ઠેર પીજીવીસીએલની ટીમ મારફતે વીજપુરવઠો પૂર્વવત કરવા માટે છેલ્લાં 2 દિવસથી કામ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 1133 ટીમ વીજપુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે તો અન્ય જિલ્લામાંથી 400 જેટલી ટીમો કચ્છ આવીને જેમ શક્ય બને તેમ વીજપુરવઠો પૂર્વવત કરવા પ્રયત્નો કરશે તો 20 તારીખ સુધી જિલ્લામાં સંપૂર્ણપણે વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
ફોલ્ટ શોધીને સમારકામ: બિપરજોય વાવાઝોડાથી વીજ પુરવઠો ખોરવાઈ જશે એ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ કચ્છ દ્વારા અગાઉથી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. આગમચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાંથી મેઈટેનન્સ ટીમો અધિકારીઓ સાથે કચ્છ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જે બાબત બિપરજોય વાવાઝોડા બાદ કચ્છવાસીઓ માટે ખૂબ જ રાહતરૂપ બની ગઈ શકે છે. ઠેર ઠેર સ્થાનિક અધિકારીઓના માર્ગદર્શન સાથે ફોલ્ટ શોધીને સમારકામ કરવામાં આવી રહ્યું છે.
વહેલી તકે લોકોને વીજળી મળે તે માટે કામગીરી: ખાસ કરીને વીજ પોલ પડી ગયા છે તે જ તાલુકામાં અગાઉથી વીજ પોલ રાખવામાં આવ્યા હતા. આગોતરા આયોજન થકી રિસ્ટોરેશન કામગીરી કરવામાં પણ ઝડપ આવી છે. અધિકારીઓ સતત માર્ગદર્શન આપીને ખડેપગે રહીને વહેલી તકે લોકોને વીજળી મળે તે માટે કામગીરી કરી રહ્યા છે.