કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 18મી એપ્રિલથી 26મી એપ્રીલ સુધી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં હજારો હરિભક્તો નોકરી, ધંધો છોડીને સેવાયજ્ઞમાં જોડાઈને મહોત્સવ માટેની તૈયારીઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભુજ તાલુકાના માનકુવા ગામનો 10 પાસ યુવક અનોખી સેવા કરી રહ્યો છે. પોતાનો ફર્નિચરનો ધંધો છોડીને મંત્ર દર્શન પ્રદર્શનીમાં લાકડાના થડમાંથી વિવિધ અવનવી બેઠક માટેની બેન્ચ બનાવી રહ્યો છે.
10મી પાસ યુવકની અનોખી સેવા : ભુજની ભાગોળે 250 એકરમાં નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે હરિભક્તો છેલ્લાં 2-3 માસથી દેશ-વિદેશથી નોકરીધંધો છોડી મહોત્સવ સ્થળે આવ્યા છે. 15000થી પણ વધારે સ્વયંસેવકો દેશવિદેશથી આવીને અહીં મહોત્સવની તૈયારીમાં સેવા આપી રહ્યા છે. ત્યારે ભુજ તાલુકાના માનકુવા ગામનો યુવાન પ્રવીણ હિરાણી પોતાનો ફર્નિચરનો ધંધો છોડીને અહીં સેવા આપી રહ્યો છે.
જુદાં જુદાં ઝાડના લાકડામાંથી ફર્નિચર : પ્રવીણે Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેણે 10મી સુધીનો જ અભ્યાસ કર્યો છે.10મી પાસ કર્યા બાદ તેને લાકડાંના ફર્નિચર બનવાનો શોખ થયો અને ત્યારથી તેણે લાકડામાંથી અવનવા ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું. પોતાનો માનકુવાના ફર્નિચરનો ધંધો શરૂ કર્યો. પ્રવીણ અહીઁ કપિલ મુનિ સ્વામી અને શ્યામકૃષ્ણ સ્વામીના માર્ગદર્શનમાં વૃક્ષોના થડમાંથી બેઠકો માટે બેન્ચ, સ્ટુલ,ટેબલ ખુરશી બનાવી રહ્યો છે. છેલ્લાં 10 દિવસોથી તે જુદાં જુદાં ઝાડના લાકડામાંથી ફર્નિચરનું કામ કરી રહ્યો છે.
મંત્ર દર્શન પ્રદર્શનીમાં બેઠક વ્યવસ્થા : દ્વિશતાબ્દી મહોત્સવ સ્થળ પર હરિભક્તો અને મુલાકાતીઓ માટે અનેક પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંત્ર દર્શન પ્રદર્શની કે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક હરિભક્તોએ સ્વામિનારાયણના નામનો જાપ કરીને બે લાખથી પણ વધારે પુસ્તકોમાં સ્વામિનારાયણ નામ લખીને મંત્રલેખન પુસ્તિકા ભરી છે. આ તમામ પુસ્તકોને વિવિધ આકારોમાં કલાત્મક રીતે ગોઠવી દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા મુલાકાતીઓના દર્શન માટે મૂકવામાં આવી છે. જ્યાં તેની સાથે કચ્છ શ્રી નરનારાયણ યુવક યુવતી મંડળની સફળતા તેમજ યુવાનોને થતાં મૂંઝવણના પ્રશ્નો માટે સંવાદ કક્ષનું આયોજન કરવામાં આવ્યું છે.
ટેબલ ખુરશી, સ્ટૂલ અને બેન્ચ : મંત્ર દર્શન પ્રદર્શની વિભાગના સંવાદ કક્ષમાં 40 જેટલા પ્રોફેશનલ્સ દ્વારા યુવાનોનું કાઉન્સિલિંગ કરવામાં આવશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. તો અહીઁ આદર્શ ગૃહસ્થ જીવન નામનું પુસ્તક પણ યુવાનોને આપવામાં આવશે. તો અહીx યુવાનો તેમજ તેમના પરિવારજનો અને પ્રોફેશનલને બેસવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે પ્રવીણ હિરાણી અને અન્ય યુવકો દ્વારા સરગવો, નાળિયેર, લીમડો, દેશી બાવળના ઝાડના થડમાંથી બેઠક માટે ટેબલ ખુરશી, સ્ટૂલ અને બેન્ચ બનાવવામાં આવી રહી છે. 20થી પણ વધારે બેન્ચ, 15 જેટલી ખુરશીઓ અને 90થી વધારે સ્ટૂલ બનાવવામાં આવ્યા છે. પોતાનો ધંધો છોડીને અહીઁ સેવા આપી રહ્યો છે.