- લોકો માટે પર્યટન સ્થળ બનશે
- ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ જાળવણી તરફ એક ઉમદા પગલું
- માણસોને ઓકિસજનની કિંમત સમજાણી છે અને પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થશે
કચ્છઃ મુન્દ્રા તાલુકાના વીરાણીયા ગામે ગ્રામપંચાયતની માલિકીની જગ્યા પર આકાર લઇ રહ્યું છે અર્બન ફોરેસ્ટ. નંદનવન નદીના પટની બિન ઉપજાઉ જગ્યા પર ગામના ડ્રેનેજના પાણીનો ઉપયોગ કરીને 75 એકર જગ્યામાં ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 18,000થી વધુ વૃક્ષો છે. જેમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા વૃક્ષો જેમકે લીમડો, પીપળો, આમલી અને વડ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિન: સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સયાજીબાગ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળકો માટે મેદાન સાથે રમત-ગમતના સાધનો હશે
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે, ગામની નજીકમાં એક ઉપવન બનાવવું, જયાં ગ્રામજનો પ્રકૃતિની ગોદમાં સારો સમય પસાર કરી શકે. આ જગ્યા પર આવનારા સમયમાં બાળકો માટે મેદાન સાથે રમત-ગમતના સાધનો અને વડીલોને બેસવા માટે બાંકડા લગાવવામાં આવશે.
પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થશે
હાલની મહામારીના સમયમાં માણસોને ઓકિસજનની કિંમત સમજાણી છે અને પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થશે. ગામની બાજુમાં આવેલા ઉદ્યોગો તરફથી ઉડતી કોલસાની રજ સામે આવા વન રક્ષક તરીકેનું કામ કરશે.
ટકાઉ વિકાસ પરિકલ્પના પણ સાર્થક કરવામાં આવી
આ વનમાં હાલ ગામના ડ્રેનેજના વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે વૃક્ષોને વધુ અનુકૂળ આવે છે. આવી રીતે એક શ્રેષ્ઠ ઉપાય કરી ટકાઉ વિકાસ પરિકલ્પના પણ સાર્થક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિન: લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું
આજુબાજુના લોકો પ્રકૃતિના ખોળે સૌંદર્ય માણવા તથા સમય પસાર કરવા માટે આવી શકશે
વીરાણીયાના સરપંચ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ટીમ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ગ્રામજનોને પણ રોજગારીની તકો ઉભી થઈ છે. આવનારા સમયમાં આ જગ્યા એક સારૂ પર્યટન સ્થળ બની રહેશે. જે આજુબાજુના લોકો પ્રકૃતિના ખોળે સૌંદર્ય માણવા તથા સમય પસાર કરવા માટે આવી શકશે.